
આમતો સામાન્ય રીતે કાળી ચૌદશની રાત્રીએ લોકો બહાર નિકળવાનુ ટાળતા હોય છે. લોકો ચાર રસ્તાઓ પર જવાનુ અને સ્મશાન તરફ જવાનુ તો જાણે કે નામ જ નથી લેતા હોતા. પરંતુ સાબરકાંઠાના આ વડાલી નગરના લોકોની માનસીકતા કંઈક અલગ જ છે. અહી લોકોના મનમાં સ્મશાનમાં જવાનો સહેજે ડર નથી અને લોકોએ પણ નહીં રાખવા માટે તેઓ સંદેશો આપે છે.

ગામમાંથી બાળકો અને મહિલાઓ સહિત વડીલો સૌ કોઈ સંધ્યા ઢળતા જ કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે. સૌ મળીને અહીં સ્મશાનને સુંદર રીતે સજાવે છે. સ્મશાનમાં સંખ્યાબંધ દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. સ્મશાન કાળી ચૌદશે અહીં દિવડાઓથી સુંદર ઝળહળતુ જોવા મળતુ હોય છે. સંખ્યાબંધ દિવડાઓનો શણગાર આહ્લાદક લાગતો હોય છે.

દિવડાઓના શણગાર સાથે અહીં ગામના લોકો સમૂહ આરતી કરે છે. આરતીમાં બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ ઉપસ્થિત રહે છે. ભગવાન શિવની વિશાળ પ્રતિમાં અહીં ગ્રામજનોએ વર્ષો અગાઉ મૂકી છે. જેના સમક્ષ ગામના લોકો સમૂહ આરતી કરતા હોય છે.

ગામના આગેવાનો કહે છે કે, અમને સહેજે ડર લાગતો નથી. અમે અહીં અંધશ્રદ્ધા દૂર કરવા માટે થઈને આ પરંપરા વર્ષો પહેલા શરુ કરી હતી. લોકોને કાળી ચૌદશે તાંત્રીક વિધી સહિત અનેક ડર ભૂત અને અન્ય પ્રકારના હોય છે.

જે અંધશ્રદ્ધાના ડરને દૂર કરવા માટે આ શરુઆત કરી હતી. આજે અમે અહીં નિયમીત પ્રતિવર્ષ કાળી ચૌદશે આરતી અને દિવડાના શણગારનો કાર્યક્રમ યોજીએ છીએ.