TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Feb 23, 2022 | 4:34 PM
દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં 'વિશ્વની સૌથી સુંદર ઇમારત' તરીકે ઓળખાતા 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા.
આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.
'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા દર્શાવે છે.
આ સાથે, આ મ્યુઝિયમ માનવ વિકાસમાં પડકારો અને તકોના નવીન ઉકેલોની પ્રેરણા આપે છે. બિલ્ડિંગ દેખાવમાં ખૂબ જ સુંદર છે. દુનિયાભરના લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
UAEના કેબિનેટ બાબતોના મંત્રી અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ અલ ગેરગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એક જીવંત મ્યુઝિયમ છે.
આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના આર્કિટેક્ટ, સીન કિલ્લા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-આસિસ્ટેડ ડિઝાઇનની શ્રેષ્ઠ કૃતિ છે.
તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રોબોટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 1,024 કલાકૃતિઓ છે. રાત્રે, તે પ્રકાશથી ઝગમગી ઉઠે છે. જેના કારણે તેની સુંદરતા પણ વધી જાય છે.