
પ્રીચાર્ડ કોલોનની બોક્સિંગ કારકિર્દી શાનદાર ચાલી રહી હતી. ટેરેલ વિલિયમ્સ સામેની લડાઈ પહેલાં તેણે સતત 16 મુકાબલા જીત્યા હતા, જેમાં 13 જીત નોકઆઉટથી આવી હતી. પરંતુ ઓક્ટોબર 2015નો મુકાબલો તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય બની ગયો.

મુકાબલા દરમિયાન કોલોનને માથાના પાછળના ભાગે અનેક વખત મુક્કા વાગ્યા હતા. તેણે રેફરીને ફરિયાદ પણ કરી હતી, પરંતુ લડાઈ ચાલુ રહી. નવમા રાઉન્ડમાં કોલોન રિંગમાં પડી ગયો અને ત્યારબાદ તેની સ્થિતિ ગંભીર બની.

ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ કોલોનને ઉલટી થવા લાગી અને તે બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં મગજમાં રક્તસ્ત્રાવની જાણ થઈ. મગજ પરનું દબાણ ઘટાડવા માટે તેની સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી બાદ કોલોન 221 દિવસ સુધી કોમામાં રહ્યો. કોમામાંથી બહાર આવ્યા પછી પણ મગજને થયેલા ગંભીર નુકસાનમાંથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો નહીં. તે બોલી પણ શકતો નહોતો અને વાતચીત માટે કમ્પ્યુટરનો સહારો લેતો હતો.

ફ્લોરિડામાં કોલોનની માતા અને પરિવાર વર્ષો સુધી તેમની સંભાળ રાખતા રહ્યા. 33 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું. તેના નિધન બાદ વિશ્વ બોક્સિંગ સંગઠને પણ શ્રદ્ધાંજલિ આપી અને તેની હિંમત તથા સંઘર્ષને યાદ કર્યા હતા. (PC:GETTY/X/INSTAGRAM)