
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર જદુમણિ સિંહ મંડેંગબામે 55 કિગ્રા વર્ગમાં શાનદાર રમત બતાવી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જય ડિક્સન સામે તેને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતી ભારતના ખાતામાં વધુ એક મહત્વપૂર્ણ મેડલ ઉમેર્યો હતો.

જદુમણિએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડના એરોન કુલેન, રાઉન્ડ ઓફ 16માં પાકિસ્તાનના સુમામા રહેમાન અને ક્વાર્ટર ફાઇનલમાં ઝામ્બિયાના મ્વેન્ગો મ્વાલેને 5-0થી હરાવ્યા હતા. ત્યારબાદ સેમિફાઇનલમાં નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

જદુમણિની અહીં સુધીની સફર આસાન નહોતી. તેણે એક સમયે 50 કિગ્રા વર્ગમાં રમ્યા બાદ 55 કિગ્રા વર્ગમાં જવા માટે પોતાનું વજન પાંચ કિલો વધારવાનો મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની ટીકા થઈ હતી, છતાં તેણે પોતાના પ્રદર્શનથી દરેકને જવાબ આપ્યો.

રસપ્રદ વાત એ છે કે જદુમણિ શરૂઆતમાં ફૂટબોલ રમતો હતો. તેના કાકાના આગ્રહ બાદ તેણે બોક્સિંગ શરુ કર્યું. વર્ષ 2016માં ઇમ્ફાલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભૂતપૂર્વ ભારતીય બોક્સર મેરી કોમ અને એલ સરિતા દેવીએ તેને 500-500 રૂપિયાનું ઇનામ આપ્યું હતું, જે બાદ જિંદગી બદલાઈ ગઈ અને આ ઘટના તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

આજે જદુમણિ સિંહ ભારતના પ્રતિભાશાળી બોક્સરોમાં સ્થાન ધરાવે છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ તેણે સાબિત કર્યું છે કે મહેનત, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરી શકે છે. (PC:X/SONY SPORTS NETWORK)