TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Feb 26, 2022 | 3:56 PM
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. પરિસ્થિતિ સતત બગડી રહી છે. રશિયાએ યુક્રેનના તમામ શહેરો સહિત રાજધાની કિવ પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. જેના કારણે દરેક જગ્યાએ માત્ર અને માત્ર કચરો જ દેખાય છે.
ક્યાંક નાના બાળકો તેમના પ્રિયજનો સાથે બેઠા છે, તો ક્યાંક તેમને ઘર છોડવાની ફરજ પડી છે. દરેક જગ્યાએ તૂટેલી ઇમારતો, આગ અને કાટમાળ જમીન પર પથરાયેલો છે. આ એ જ યુક્રેન છે, જે એક સમયે પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું હતું.
રશિયાના હવાઈ હુમલામાં યુક્રેનની ઈમારતોને નુકસાન થયું છે. ઘણા ઘરોના ઉપરના ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેનો કાટમાળ પણ રોડ પર પડ્યો છે. સરકારનું કહેવું છે કે હુમલામાં સેના અને નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારનું કહેવું છે કે રાજધાની અને દેશના દક્ષિણમાં લડાઈ ચાલી રહી છે અને યુક્રેનિયન દળો સફળતાપૂર્વક રશિયન હુમલાઓનો સામનો કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઇલો પોડોલિકે શનિવારે જણાવ્યું હતું કે રશિયન દળોના નાના જૂથોએ કિવમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને યુક્રેનિયન સૈનિકો સાથે ઘર્ષણ થયુ હતુ.
તેમણે કહ્યું કે રશિયા કિવ પર કબજો કરીને દેશના નેતૃત્વને નષ્ટ કરવા માંગે છે, પરંતુ રશિયન સેના કોઈ લીડ મેળવવામાં નિષ્ફળ રહી છે અને કિવમાં સ્થિતિ યુક્રેનિયન દળોના નિયંત્રણમાં છે.
Russia Ukraine War Live Updates in Gujarati
તેમણે કહ્યું કે રશિયા દક્ષિણ પર કબજો મેળવવાને પ્રાથમિકતા માને છે પરંતુ કોઈ નોંધપાત્ર ફાયદો કરવામાં નિષ્ફળ રહ્યું છે. "...યુક્રેન જીતી રહ્યું છે," પોડોલિકે બ્રીફિંગમાં કહ્યું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ નવેસરથી ખાતરી આપી છે કે દેશની સેના રશિયન આક્રમણનો સામનો કરશે. કિવ શહેરની એક ગલીમાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં, ઝેલેન્સકીએ કહ્યું કે તેણે શહેર છોડ્યું નથી અને યુક્રેનિયન સૈન્ય તેના હથિયારો નીચે મૂકશે તેવા દાવાઓને ફગાવી દીધા છે.
તેમણે કહ્યું, 'અમે દેશની રક્ષા કરીશું. આપણું શસ્ત્ર આપણું સત્ય છે અને આપણું સત્ય છે આ આપણી ધરતી, આપણો દેશ, આપણા બાળકો અને અમે તે બધાનો બચાવ કરીશું.