
આ રેલ કોચ રેસ્ટોરન્ટની બિલકુલ અડીને રેલવે ટ્રેક આવેલું છે. જેથી ત્યારે ટ્રેન નીકળે ત્યારે રેસ્ટોરન્ટમાં જમતા લોકોને અદભૂત અનુભૂતિ થાય છે. રેલવે કોચની અંદર તો રેસ્ટોરન્ટ છે જ પરંતુ આ રેલવે કોચની ઉપર પણ સિટિંગ બનાવાયું છે. રેલ કોચની ઉપર રૂફટોપ પર બેસીને પણ લોકો ભોજનનો આનંદ માણી શકશે. રેલવે કોચની ઉપર બેસીને પણ ભોજન લેતા હોઈએ ત્યારે બાજુના રેલવે ટ્રેક પરથી ટ્રેન નીકળે ત્યારે આકર્ષિત કરનાર દ્રશ્ય સર્જાય છે.

રેલવે કોચની અંદર અને ઉપર તો સીટીંગ વ્યવસ્થા છે જ.આ ઉપરાંત રેલવે કોચની બાજુમાં પણ રેલવે પ્લેટફોર્મ જેવી થીમ બનાવવામાં આવી છે.જેમાં રેલવે પ્લેટફોર્મ પર બેસીને ભોજન લેતા હોય તેવી અનુભૂતિ થાય છે. તમામ પ્રકારના ભોજનનો સ્વાદ આ રેસ્ટોરન્ટમાં મળશે. 'ટ્રેક સાઈડ તડકા' રેસ્ટોરન્ટ મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે.એટલે કે અહીંયા તમામ પ્રકારના ભોજનનો સ્વાદ મળશે.જેમ કે ચાઇનીઝ,પંજાબી,ગુજરાતી,કોન્ટિનેન્ટલ,સાઉથ ઇન્ડિયન,મેક્સિકન,ફાસ્ટ ફૂડ, મોકટેલ આ તમામ વાનગીઓ એક જ જગ્યાએ અદભૂત વાતાવરણમાં મળી રહેશે.

આ ટ્રેક સાઈડ રેસ્ટોરન્ટને ડિઝાઇન કરનાર આર્કિટેક કંપનીના માલિક વિરલભાઈ શિલ્હર tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ પ્રકારની ચેલેન્જ તેઓ પાસે પ્રથમ વખત આવી હતી. ટ્રેનના ફાજલ પડેલા ડબ્બામાંથી એક આલીશાન રેસ્ટોરન્ટ બનાવવું ચેલેન્જ વાળું કામ હતું કારણ કે આ પહેલા તેઓએ આ પ્રકારનું રેસ્ટોરન્ટ બનાવ્યું નહોતું. ચેલેન્જ એટલે હતી કે ટ્રેનના ડબ્બાના મૂળ સ્ટ્રકચરને કોઈ નુકસાન ન થાય તે રીતે કામ કરવાનું હતું.

અંદરથી આખા કોચની ડિઝાઇન ચેન્જ કરવાની હતી પરંતુ અંદર બેસીને રેલવે કોચની અનુભૂતિ થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવાની હતી. જેથી એક એક બાબત ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવ્યું છે અને આખરે 10 મહિના જેટલા સમયગાળામાં એક ફાજલ રેલવે કોચમાંથી એક આલીશાન રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે અને બાળકોની સાથે સાથે તમામ વર્ગના લોકોને ખૂબ જ આકર્ષિત પણ કરી રહ્યું છે.