
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં મોટી મુશ્કેલી વચ્ચે જીત નોંધાવી છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતી કેપ વર્ડેની ટીમે આર્જેન્ટિનાને અંતિમ ક્ષણ સુધી જોરદાર પડકાર આપ્યો હતો.

આખરે એક્સ્ટ્રા ટાઇમમાં થયેલા નિર્ણાયક ગોલના આધારે આર્જેન્ટિનાએ 3-2થી વિજય મેળવી રાઉન્ડ ઓફ 16માં સ્થાન બનાવ્યું. હવે આગામી નોકઆઉટ મુકાબલામાં આર્જેન્ટિનાનો સામનો ઇજિપ્ત સાથે થશે.

મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બોલ પર આર્જેન્ટિનાનો કબજો વધુ હતો, પરંતુ કેપ વર્ડેએ પણ મજબૂત ડિફેન્સ સાથે દરેક હુમલાનો સામનો કર્યો.

મેચની 29મી મિનિટે લિસાન્ડ્રો માર્ટિનેઝના લોંગ પાસને લિયોનેલ મેસીએ શાનદાર રીતે કન્ટ્રોલ કરીને ગોલમાં ફેરવ્યો અને આર્જેન્ટિનાને 1-0ની લીડ અપાવી. પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમતી કેપ વર્ડેની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે ઝૂકવાનો ઇનકાર કર્યો.

મેચની 59મી મિનિટે ડેરોયે ડુઆર્ટેએ સુંદર ગોલ ફટકારી સ્કોર 1-1થી બરાબર કર્યો. ત્યારબાદ બંને ટીમોએ અનેક તક ઊભી કરી, પરંતુ નિયમિત સમય પૂરો થાય ત્યાં સુધી કોઈ ટીમ નિર્ણાયક ગોલ કરી શકી નહીં અને મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી.

એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાએ ફરી એકવાર લીડ મેળવી અને સ્કોર 2-1 કર્યો. જોકે કેપ વર્ડેએ ફરી હિંમત હાર્યા વગર જવાબ આપ્યો. સિડની લોપેઝ કેબ્રાલે અદભૂત ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો. તેમના આ ગોલને ટૂર્નામેન્ટના સૌથી આકર્ષક ગોલમાં સ્થાન મળી શકે છે.

કેપ વર્ડેના અનુભવી 40 વર્ષીય ગોલકીપર વોઝિન્યાએ પણ સમગ્ર મેચ દરમિયાન અનેક શાનદાર સેવ કરીને પોતાની ટીમને મેચમાં જાળવી રાખી હતી. ગ્રુપ સ્ટેજમાં પણ આ ટીમે સ્પેન, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા જેવી મજબૂત ટીમોને ડ્રો પર રોકીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મેચની સૌથી નિર્ણાયક ક્ષણ 111મી મિનિટે આવી. આર્જેન્ટિનાના ડિફેન્ડર ક્રિસ્ટિયન રોમેરોના દબાણ વચ્ચે કેપ વર્ડેના ડિને બોર્ગેસના પગથી દુર્ભાગ્યપૂર્ણ ઓન ગોલ થયો, જેના કારણે આર્જેન્ટિનાને 3-2ની સરસાઈ મળી ગઈ. અંતિમ મિનિટોમાં કેપ વર્ડેએ બરાબરીનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.

આ જીત સાથે આર્જેન્ટિનાએ મુશ્કેલ પરીક્ષા પાર કરીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યાં હવે તેનો મુકાબલો ઇજિપ્ત સામે થશે. બીજી તરફ કેપ વર્ડેએ ભલે ટૂર્નામેન્ટને અલવિદા કહી હોય, પરંતુ પોતાના શાનદાર પ્રદર્શનથી વિશ્વ ફૂટબોલમાં મજબૂત છાપ છોડી છે. (All Image Credit Source: Social Media)