
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બીજા જ ક્રમમાં બેઠેલા મુસાફર ડેનિયલ શ્લિખ્તરે ખુલાસો કર્યો કે કોકપિટમાંથી ચીસાચીસનો અવાજ આવ્યો હતો. કો-પાઇલટ હમામ અલ-હમામી અચાનક કેપ્ટન સ્મિત મચ્છાર પર સતત જીવલેણ હુમલો કરી રહ્યો હતો અને ચારેય તરફ લોહી વિખરાયેલું હતું.

ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત ન હારી અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. દરવાજો ખુલતા જ મુસાફરોએ સમય સૂચકતા વાપરીને હુમલાખોર કો-પાઇલટને બહાર ખેંચી લીધો અને તેને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી.

હુમલાખોરને કાબૂમાં લેવાની મથામણ ચાલી રહી હતી ત્યારે જ પ્લેનમાં પ્રવાસી તરીકે મુસાફરી કરી રહેલો એક વધારાનો પાઇલોટ લોકોની ઉપરથી છલાંગ લગાવીને સીધો કોકપિટમાં ઘૂસી ગયો અને પ્લેનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું.

આ બંને પાઇલોટ્સ તે જ પ્લેનમાં પ્રવાસી (Deadheading) તરીકે મુસાફરી કરી રહ્યા હતા કારણ કે તેમણે તેલ અવીવથી પ્લેન પાછું દુબઈ લાવવાનું હતું. મુસાફરના જણાવ્યા મુજબ, આ બે પાઇલોટ્સનું પ્લેનમાં હોવું કોઈ ચમત્કારથી કમ નહોતું.

હુમલા દરમિયાન પ્લેનનું રડર (Rudder) ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને વિમાન ખૂબ ઝડપથી નીચે તરફ પડી રહ્યું હતું. બંને પાઇલોટ્સને પ્લેનને હવામાં સ્થિર (Stable) કરવામાં 10 મિનિટથી પણ વધુ સમય લાગ્યો, જે મુસાફરો માટે અત્યંત ભયાનક હતો.

પ્લેન સ્થિર થયા પછી પણ પાઇલોટોએ શરૂઆતમાં મુસાફરો સાથે કોઈ વાત ન કરી. આથી પ્રવાસીઓમાં ડર પેદા થયો કે રખેને કોઈ આ પ્લેન હાઇજેક કરીને ઈરાન તરફ તો નથી લઈ જઈ રહ્યું ને!

લગભગ 45 મિનિટના ભયાનક સસ્પેન્સ પછી પાઇલોટ્સે એનાઉન્સમેન્ટ કર્યું કે પ્લેન સઉદી અરેબિયાના તબુક (Tabuk) એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ રહ્યું છે. આખરે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં જ સૌએ રાહતનો શ્વાસ લીધો.

ફ્લાયદુબઈ ઘટના બાદ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે અને PM નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે વાત કરી છે. પરંતુ પ્લેનને તબુક સુધી ઉડાડીને લાવનાર બે વધારાના પાઇલોટ્સના નામ ફ્લાયદુબઈએ હજુ સુધી જાહેર ન કરીને રહસ્ય અકબંધ રાખ્યું છે.