
શહેરમાં એએમસી સંચાલિત નાના મોટા 28 સ્વીમીંગ પુલ છે. હાલ તમામ સ્વીમીંગ પુલો હાઉસફુલ થઈ ગયા છે.સ્વીંમીંગ પુલો હાઉસફુલ થતાં એએમસીને ચાલુ વર્ષે 1.60 કરોડની આવક થઈ છે.

આ અંગે કોર્પોરેશનની રીક્રીએશન કમીટીના ચેરમેને રાજેશ દવેએ જણાવ્યું હતું કે એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં ખાનગી સ્વીમીંગ પુલો કરતાં સારી સુવિધા આપવામાં આવે છે.જેના કારણે લોકોનો ધસારો વધ્યો છે.

જાન્યુઆરીથી માર્ચ 2022 સુધી ત્રણ મહિનામાં કોર્પોરેશનના સ્વીમીંગ પુલોમાં 3411 જેટલા સભ્યો નોંધાયા હતા.જેમાંથી એએમસીને 50 લાખ રૂપિયાની આવક થઈ છે.જ્યારે ઉનાળાની શરૂઆત થતાંજ સભ્યોની સંખ્યા બે ગણી વધી ગઈ છે.

1 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના 16 દિવસમાં જ કોર્પોરેશનના સ્વીમીંગ પુલોમાં 3635 જેટલા સભ્યો નોંધાયા છે. અને છેલ્લા 16 દિવસમાં એએમસીને 51 લાખની આવક થઈ છે. અને ઉનાળો શરૂ થતાં સ્વીમીંગ પુલમાં સભ્ય બનવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.દરરોજ સ્વીમીંગ પુલના સભ્ય બનવા અને સ્વીમીંગ શીખવા માટેના 2 હજાર ફોર્મ વેચાય છે.

છેલ્લા ચાર મહિનામાં એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં 7 હજાર જેટલા સભ્યો નોંધાયા છે અને હાલ એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં 10 હજાર જેટલા એક્ટિવ સભ્યો છે.

સભ્યોની સંખ્યામાં ભારે વધારો થતાં એએમસી દ્રારા એક્સ્ટ્રા બેચો શરૂ કરવામાં આવી છે. સવાર અને સાંજની તમામ બેચો હાલ ફુલ થઈ ગઈ છે.

આગામી દિવસોમાં વેકેશનમાં બાળકોમાં સ્વીમીંગ શીખવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને એએમસીના સ્વીમીંગ પુલોમાં વધારાની બેચો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.