
દેશની રાજધાની દિલ્હીમાં લોકોએ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી અને સાથે જ એક રેકોર્ડ પણ બનાવ્યો. દિલ્હીવાસીઓએ દારૂ પીવાનો રેકોર્ડ બનાવ્યો છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં દારૂની 24 લાખ બોટલનું રેકોર્ડ વેચાણ થયું હતું, જે 2022ની સમાન તારીખ કરતાં 18 ટકા વધારે છે.

ડેટા મૂજબ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરે 24,00,726 દારૂની બોટલનું વેચાણ થયું હતું, જ્યારે 31 ડિસેમ્બર, 2022ના રોજ 20,30,664 બોટલનું વેચાણ થયું હતું. દિલ્હીમાં નાતાલના આગલા દિવસે એટલે કે 24 ડિસેમ્બરે બીજા નંબરનું સૌથી મોટું વન-ડે સેલ જોવા મળ્યું હતું. દિલ્હીવાસીઓએ 19.42 લાખ દારૂની બોટલો પીધી હતી જે 2022માં તે જ દિવસે 14.69 લાખ હતી.

આબકારી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે દિલ્હીમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર 2023માં 635 સ્ટોરમાંથી 4.97 કરોડ બોટલનું વેચાણ થયું હતું. ડિસેમ્બર 2022માં આ આંકડો 3.99 કરોડ હતો.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ડેટા મૂજબ ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં દારૂની બોટલોનું અસંખ્ય વેચાણ જોવા મળ્યું છે. આંકડા અનુસાર, દિલ્હીના લોકોએ ડિસેમ્બર મહિનામાં દરરોજ 10 લાખ દારૂની બોટલો પીધી છે.

વિભાગના ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે 30 ડિસેમ્બર, 2023ના રોજ દિલ્હીમાં 17,79,379 દારૂની બોટલનું વેચાણ થયું હતું, જ્યારે 2022માં તે જ દિવસે 14,66,353 બોટલનું વેચાણ થયું હતું.