ઉત્તર પ્રદેશથી કર્ણાટક: માફિયાઓ પણ લોકશાહીનો ફાયદો ઉઠાવે છે…

આજે મ્યાનમાર અને પાકિસ્તાનની દશા તેનો અંદાજ આપે છે. અફઘાનિસ્તાન તો કટ્ટર તાલિબાનોના હાથમાં રહેસાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આવતીકાલે શું થશે તેની કોઈ કલ્પના પણ થઈ શકે તેમ નથી.

ઉત્તર પ્રદેશથી કર્ણાટક: માફિયાઓ પણ લોકશાહીનો ફાયદો ઉઠાવે છે...
| Updated on: Apr 22, 2023 | 5:14 PM

બંધારણ ઘડાયું ત્યારે તેના નિર્માતાઓ સપના અને મુગ્ધતાથી ઘેરાયેલા હતા. સ્વાતંત્ર્યની લડાઈમાંથી પસાર થયા હતા એટ્લે સંકલ્પ પણ હતો કે સંસદીય ચૂંટણીના માધ્યમથી આપણે એક મહાન લોકશાહી દેશ બનાવીશું. એવું અમુક અંશે તો બન્યું પણ ખરું કે બીજા દેશોમાં સૈનિકશાહી, સરમુખત્યારી, કટ્ટરવાદી સત્તાઓ આવી, જુલમ પણ થયા. બર્મા-મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બધે એક યા બીજી રીતે લોકશાહીનું ઝાડ સિંચિત થયું જ નહીં.

આજે મ્યાનમાર અને પાકિસ્તાનની દશા તેનો અંદાજ આપે છે. અફઘાનિસ્તાન તો કટ્ટર તાલિબાનોના હાથમાં રહેસાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આવતીકાલે શું થશે તેની કોઈ કલ્પના પણ થઈ શકે તેમ નથી. બાંગલાદેશમાં કહેવાતી લોકશાહી તો છે પણ મઝહબી કટ્ટરતા સાવ નષ્ટ થઈ નથી. શ્રીલંકા તો એક્દમ અસ્થિર સત્તાનો અનુભવ કરી રહ્યું છે. મ્યાનમારમાં જે પક્ષ લોકશાહી પૂર્વક સત્તા પર આવ્યો હતો તે આંગ સેન સુ કીના પક્ષને સૈનિકી સટ્ટાએ ગેરકાયદે ઠેરવી દીધો.

આ પણ વાંચો: ભૂલી જવા જેવો અને યાદ કરવા જેવો ઈતિહાસ

રોજ ત્યાં સેંકડો નાગરિકોની લાશો ઢળે છે ને દુનિયાના લોકશાહી-પ્રેમી દેશોના પેટનું પાણી હલતું નથી. તે બિચારા તો પુતિનના નિશાન પર રહેલા યુક્રેનને મરતું બચાવવામાં પડ્યા છે. આફ્રિકા અને એશિયાના એવા ઘણા દેશો છે , જ્યાં લોહિયાળ રાજ-પરિવર્તનો થતાં રહે છે. અરે, કથિત પુરાણા લોકશાહી દેશ ઈંગ્લેન્ડમાં હવે એક ભાગ મુસ્લિમ અલગાવ સાથે જોડાઈને હિસ્સો માંગી રહ્યો છે!

આ બધુ જોતાં એવું લાગે કે આપણે ઠીકઠીક સુખી છીએ. દરેક મહિને ક્યાંકને ક્યાંક વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય છે, તેને માટે ચૂંટણી પંચ છે. ખોટું થયું હોય તો કોર્ટના દરવાજા ખખડાવી શકાય છે. વિચારોની (ક્યારેક તો અતિરેકી) સ્વતંત્રતા છે. દેશના વડાપ્રધાનને ચોર ચોકીદાર કે બધા મોદી એકસરખા કેમ છે એવું કહેવામા આવે છે. તે ડરે છે, જુઠ્ઠું બોલે છે, અમને બોલવા દેતા નથી… આવું સરેઆમ કહેવાતું આવ્યું છે. દેશની સ્વાધીનતા માટે સમગ્ર પરિવાર સાથે ખપી જનારા વીર સાવરકરની હાંસી ઉડાવવામાં આવે છે. આટલી છૂટ તો દુનિયામાં બીજે ક્યાય નહીં હોય.

હમણાં કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણી ગઈ, હવે કર્ણાટકનો વારો છે. દક્ષિણનું રાજ્ય છે. સ્થાનિક જાતિઓનું વર્ચસ્વ છે. રાજકીય ગોટાળાઓ માટે ખાણ જીવાદોરી છે. ખાણ માફિયાઓ પાછલા બારણેથી સક્રિય રહે છે. દક્ષિણમાં ચીકમાંગલૂર અને કોલાર તેમજ વાયનાડ જાણીતા છે, કોંગ્રેસનો ત્યાં વિસામો છે. ઉત્તર પ્રદેશમાં પરાજયનું જોખમ હોય ત્યારે ગાંધી પરિવાર દક્ષિણ તરફ નજર દોડાવે છે. દક્ષિણ ભારતનો એકાદ પ્રશ્ન પણ ઉકેલવાનું કામ ના કરનાર રાહુલ ગાંધી અને પૂર્વે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ દક્ષિણથી જીત મેળવી હતી.

આ વખતે ચિત્ર સાવ જુદું નથી. ભાજપે દક્ષિણમાં કર્ણાટકનો રાજકીય ગઢ સર કર્યો ત્યારે ભારતીય રાજકારણમાં ધરતીકંપ આવી ગયો હતો. હવે એન્ટિ-ઈનકમ્બ્સી ચાલે છે કે ભાજપ પુન: સત્તા પર આરુઢ થાય છે તેના પર સૌની નજર છે. યેદિદૂરપ્પા ભાજપના પીઢ નેતા છે, ગુજરાતના કેશુભાઈ પટેલની જેમ. એટલું જમા પાસું છે કે તેમણે પક્ષ છોડયો નહીં કે નવો પક્ષ બનાવ્યો નહીં. સંગઠનમાં તેની હાક વાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બધે નજર રાખે છે. મોદી-પ્રભાવનો પૂરો ફાયદો ઉઠાવવામાં આવે તેવી વ્યૂહરચના છે. મનસુખ માંડવિયા સહિત ગુજરાતી નેતાઓ-મંત્રીઓ ધામા નાખીને બેઠા છે.

37 પક્ષ ચૂંટણી લડે છે. અપક્ષો તો હોય જ. મુસ્લિમ પક્ષો અને સંગઠનો અત્યંત સક્રિય છે. ઔવેસી અનુકૂળ બેઠકોને જીતવા માટે ભરચક કોશિશ કરી રહ્યા છે પણ મોટો પ્રભાવ લિંગાયત સહિતની જાતિઓનો છે, આજે જ નહિ, વષોથી.

આમાં એક ચોંકાવનારું પરિબળ ઉમેરાયું છે તે ઉત્તર પ્રદેશમાં પોતાનું માફિયા સામ્રાજ્ય ખલાસ થતું નજરે જોઈને હત્યામાં મોત પામેલા અતીકનું છે. અતીક તો પતી ગયો પણ તેનું ભૂત ધુણે છે. રાજકીય પક્ષો-જેમણે અતીકને ચૂંટણીમાં ટેકો આપ્યો, જીતાડયો, તેના માફિયા કુટુંબને અપરાધ કરવામાં નજરઅંદાજ કર્યું, હવે તે નથી રહ્યો, તેનો એક માફિયા બેટો પણ ના રહ્યો, સાઈસ્તા બેગમનો પત્તો નથી, એવા સંજોગોમાં કોંગ્રેસે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે ઈમરાન પ્રતાપગઢીને બોલાવ્યો છે. તે અતીકને પોતાનો મસીહા માને છે, તેના ગુણગાન કરતી શાયરી જાહેરમાં લલકારે છે અને કહે છે, અતીક શહીદ છે, અમર હતો, અમર છે અને અમર રહેશે! પ્રચાર માટે તેને બે વિમાન ફાળવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી સાથેનો ફોટો બેનરમાં વપરાયો છે. આનો અર્થ એટલો જ કે મરેલા અતીકનો પણ ઉપયોગ કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં થશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)