વાત ભલે પાકિસ્તાનની (Pakistan) હોય, પણ ભારતની આસપાસના દેશોમાં આવું બનતું રહ્યું છે. બાંગ્લા દેશનો એક રાષ્ટ્રપ્રમુખ હત્યાનો ભોગ બન્યો, બીજો જેલવાસી બન્યો. મ્યામારના લોકપ્રિય નેત્રી આંગ સેન સુ કી લાંબા સમય સુધી જેલમાં રહી છે. શ્રીલંકામાં એકની હત્યા અને બીજાને સજા. વડાપ્રધાનો અને રાષ્ટ્રપ્રમુખોની આ નીયતિથી નેપાળ પીએન બાકાત નથી રહ્યું, તેના સમગ્ર રાજપરિવારની હત્યા થઈ હતી. અત્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની કેદ ભોગવી રહ્યા છે. ગુનો એવો છે કે તેણે દેશના તોશાખાનાનો ઉપયોગ કર્યો અને જે મૂલ્યવાન બક્ષિશો સરકારને મળી તે પચાવી પાડી અને બીજો ભ્રષ્ટાચાર કર્યો હતો. એટલે 100,000 દંડ, પાંચ વર્ષ સુધી ચૂટણી લડવા પર પાબંદી અને ત્રણ વર્ષની સજા !
આ ક્રિકેટર-કમ-રાજકારણીનો પોતાનો રાજકીય પક્ષ છે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ). સિત્તેર વર્ષના ઈમરાન ખાનને જેલમાં રહેવું પડશે. 140 મિલિયન પાકિસ્તાની રૂપિયાની આટલી બક્ષિશો દેશના નામ પર હતી, તે તેણે ઘરભેગી કરી, તેના પર અત્યાર સુધીમાં 76 કેસ ચાલ્યા છે.
નોંધવા જેવુ તો એ છે કે ભારતમાં ભારતીય જનતા પક્ષનું 2024ની ચૂટણીનું મુખ્ય સૂત્ર જ ભ્રષ્ટાચાર વિરોધનું છે. કેટલાક સમયથી જુદાજુદા પ્રદેશોમાં ઇન્કમટેક્ષના દરોડા ચાલુ છે, ને કેટલાક રાજકીય નેતાઓ તેમાં જુદાજુદા આરોપો હેઠળ જામીન પર છે. સોનિયા અને રાહુલ ગાંધી પણ નેશનલ હેરોલ્ડ કેસમાં આરોપી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા જેવુ છે.
પાકિસ્તાનમાં વારંવાર સત્તાની ફેરબદલ થતી રહી અને તેમાં હત્યા, વિમાની અકસ્માત અને ફાંસીના કિસ્સા બન્યા. તેના નિર્માતા મોહમ્મદ અલી જિન્નાહ ઉપેક્ષા અને અગવડ સાથે, શરીર પર માખીઓ બણબણતી હોય તેવી હાલતમાં હોસ્પિટલે દાખલ થયા હતા અને મૃત્યુ પામ્યા. તેમનો મકબરો બાર વર્ષ પછી બન્યો. બીજા રાષ્ટ્રપ્રમુખ ઇસ્ક્ન્દર મિરઝાને તેના મિત્ર વડાપ્રધાન અયુબખાને લશ્કરી બળવાથી હાંકી કાઢીને પોતાને જ (જે આગલા દિવસે વડાપ્રધાન હતો) રાષ્ટ્રપ્રમુખ ઘોષિત કરી દીધો અને મિર્ઝાને હદપાર કર્યો, ત્યાં તેની પાસે દવા લેવાના પૈસા નહોતા. એ પણ કેવી ઘટના છે કે ઇસ્કન્દર મિરઝાના પૂર્વજોમાં મિરઝાફર હતો જેણે સીરાજુદ્દીનને પ્લાસીના યુદ્ધમાં દગો કર્યો અને રોબર્ટ ક્લાઇવને ભારતમાં ઘૂસવાનો મોકો આપ્યો. ઇસકંદરને અયુબ ખાને દગો કર્યો. બદલો ભલા બૂરાનો, અહી ને અહી મળે છે!
અયુબના દસ વર્ષના શાસન દરમિયાન તેના સિપાહસાલાર ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બળવો કર્યો, પોતાનો પક્ષ બનાવ્યો. અયુબખાને દેશના તમામ રાજકીય પક્ષોને ગેરકાયદે જાહેર કરતો કાયદો બનાવ્યો. 200 રાજકીય નેતાઓ રાજકીય રીતે સમાપ્ત થઈ ગયા. અદાલતે પણ તખતાપલટને કાયદેસર ગણાવ્યો. તથાકથિત લોકશાહીના નામે 1964ની રાષ્ટ્રપતિ ચૂટણીમાં અયુબ ખાનની સામે જિન્નાહના બહેન ફાતિમાને ઊભા રહ્યા તો ફતવા જાહેર કરાયા કે મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે યોગ્ય નથી.
અયુબ ફરી પદ પર આવ્યા, કશ્મીર પર આક્રમણ કર્યું, તે દરમિયાન 1966માં તેણે યાહયાખાનને કમાન્ડર ઇન ચીફ બનાવી દીધા જે અય્યાશી પિયક્કડ તરીકે જાણીતા હતા. તેણે અયુબને પીઠ પાછળ ખંજર મારીને સટ્ટાથી હઠાવ્યા અને ભુટ્ટોની સાથે હાથ મિલાવ્યા. અનેક સૈનિકી અફસરોને દૂર કર્યા, બાંગલા દેશ તેના સમયનો મોટો આઘાત હતો. સિમલા કરાર થયો અને “હજાર વર્ષ સુધી ભારતની સામે લડીશું એવા મિથ્યાભિમાની હુંકારનો કોઈ અર્થ રહ્યો નહીં. ઓરિયાના ફેલાસી નામની બેબાક પત્રકારને તેણે કહ્યું હતું કે સફળ રાજકારણી થવા માટે હળવી આંગળી હોવી જોઈએ. માળામાં પંખી ઈંડા પર બેઠું હોય તેણે ખબર ના પડે તે રીતે એક પછી એક ઈંડા મેળવી લેવા તે રાજકારણ છે. તેણે તેવું કર્યું પણ આ તો પાકિસ્તાન! જીયા, ટિક્કા, અને ભુટ્ટો સફળ કઈ રીતે થાય?
1977માં જનરલ જિયાએ ભુટ્ટોની ધરપકડ કરી, ચૂંટણી મોકૂફ રાખવામા આવી જેથી ભુટ્ટો ફરી વિજેતા ના બને. 1977નો એવો કાયદો હતો કે તમામ અદાલતો અને ન્યાયાધીશોએ માર્શલ લો સરકાર પ્રત્યે વફાદારીના સોગંદ લેવા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે તેમ કરવાની ના પાડી તો તેમણે હટાવી દેવાયા. 1971માં પૂર્વ પાકિસ્તાન હાથમાથી ગયું અને માત્ર પશ્ચિમ પાકિસ્તાન જ રહ્યું તેના દોષનો ટોપલો ભુટ્ટો પર ઢોળવામાં આવ્યો,કેટલીક કથિત હત્યાઓ સહિત ત્રણ મામલા અને 60 આરોપ ઉપરાંત તેની નિંદાનો મુદ્દો પંજાબી સૈન્યમાં ફેલાવવાંમાં આવ્યો કે ભુટ્ટોની માતા હિન્દુ નિમ્ન કોમની હતી! 18 માર્ચ ,1978 ના રોજ તમામ પંજાબી જજ , એક પણ સિંધી નહિ-તે સૌએ ભુટ્ટોને ફાંસીની સજા ફરમાવી. 90 દિવસ સુધી તેણે અંધારો એકાંત વાસ ભોગવ્યો. તાવ અને દાંતના દુખાવાની કોઈ સારવાર થઈ નહિ.
છેલ્લા દિવસે પત્ની નુસરત અને પુત્રી બેનઝીર મળ્યા ત્યારે ભુટ્ટોએ શેવ કરવાનો સમાન બ્લેડ વગેરે મેળવીને રાજી થઈને કહ્યું કે મારે મુલ્લા ટાઈપના દાઢીધારી તરીકે મરવું નથી. સાંજે તેણે એકરારનામા માટે કાગળ આપવામાં આવ્યા, તે તેણે ફાડી નાખ્યા જેથી ગુસ્સે થઈને બ્રિગેડીયરે તેના પેટ પર લાત મારી, સાંજના 6 વાગે આ ઘટના બની અને અરધી રાતે સ્ટ્રેચર પર તેણે ફાંસીના તખતે પહોંચાડવામાં આવ્યા. મુસ્તફા કારની ધ ડેઇલી એક્ષપ્રેસ સાથેની મુલાકાત (21 મે, 1979) માં આ વિગતો આપવામાં આવી છે. આ માણસ પણ જનરલ જીયા દ્વારા હદપાર હતો અને પેલા બ્રિગેડીયરને પછી નોકરીમાં બઢતી આપવામાં આવી. એ નોંધવા જેવુ છે કે 1973માં ભુટ્ટોએ પાકિસ્તાનને સંવિધાન આપ્યું અને પોતે પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન હતા, જેને ફાંસી મળી.
પણ ભુટ્ટોના મોતથી યાહયાખાનને શું મળ્યું? 17 ઓગસ્ટ , 1988 ના વિમાની અકસ્માતમાં મોત! હમણાં 2023ની 17 ઓગસ્ટ ગઈ, પાકિસ્તાનમાં ક્યાય તેણે યાદ કરવામાં આવ્યો નથી. જીયા એ વિમાનમા અમેરિકા જવાનો હતો, જેમાં તેના આધિપત્ય અને દોરીસંચારથી મોત પામેલા ભુટ્ટોને એજ વિમાનમા 1979માં તાબૂત લારકાના લઈ જવા ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે જિયાને લઈ જતાં વિમાની દુર્ઘટના પણ સાજિશ હતી. શિયા પાઇલોટોનું આ આત્મઘાતી મિશન હતું.
પછી આવ્યા નવાઝ શરીફ. મુશર્રફની બરખાસ્તગી પછી તુરત તેની ધરપકડ થઈ. મુક્દ્દ્મો ચાલ્યો. કારગિલ યુદ્ધ થયું, બેનઝીર ભુટ્ટો થોડા સમય માટે સત્તાધીન બન્યા, પતિ જરદારી આવ્યા, બેનઝીરની હત્યા થઈ. હવે ઈમરાન ખાનને સજા. પાકિસ્તાનનું લોકતંત્ર અને સૈન્યનો આવો અંજામ છે ત્યારે ભારત અડીખમ બનીને લોકતંત્ર અને વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે જેની નોંધ દુનિયા લઈ રહી છે.
આ પણ વાંચો: રાણપુરનું સ્ટેશન અને સ્મશાને સત્યાગ્રહ, મેઘાણીનો સિંધુડો અને સંઘની વિજયાદશમી
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)
Published On - 7:22 pm, Mon, 21 August 23