સંસદના સિંહ અને અશોક-ચરિત્ર, એક સાવ નવી કહાણી!

|

Jul 16, 2022 | 7:18 PM

સારનાથનું આ સિંહ શિલ્પ સાથેનું ધર્મચક્ર. તેમાં અહિંસા પરમો ધર્મ સૂત્ર અંકિત કરવામાં આવ્યું. આમાં ગાંધીજી અને સમ્રાટ અશોકે પ્રવર્તાવેલી અહિંસા બંનેનો પ્રભાવ છે. નહિ તો એ જ વર્ષોમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફોજનું ચિહ્ન – ધસમસતો દીપડો- પસંદ થઈ શક્યું હોત.

સંસદના સિંહ અને અશોક-ચરિત્ર, એક સાવ નવી કહાણી!
New National Emblem of India

Follow us on

નવા સંસદગૃહની (Parliament) ઇમારત પર સ્થાપિત આપણાં રાષ્ટ્રીય પ્રતિક (National Emblem Of India) વિષે વિવાદ પણ રમૂજી બની ગયો. “અમને કેમ ના બોલાવ્યા?’ થી શરૂઆત થઈ અને “આ સિંહ બંધારણ અને સરકારે પસંદ કરેલા રાજ્ય ચિહ્નના ત્રિમૂર્તિ સિંહ જેવા નથી” સુધીની વાત થઈ વળી આ સિંહો તો હિંસક છે, પેલા નહોતા એમ કહેવાયું અને છેવટે એવો આરોપ થયો કે આ તો આપણાં બંધારણનું જ અપમાન કહેવાય. વળતો ખુલાસો સ્થપતિઓએ કર્યો કે એવું કશું નથી, દૂરથી જોતાં એવું લાગે, બાકી એજ રાષ્ટ્રીય ચિહ્નની ત્રિમૂર્તિ છે, પણ વિવાદ એમ પૂરો થઈ જાય તો લોકશાહીના લક્ષણ જેવી દલીલોનું શું થાય? આપણે ત્યાં ભારતમાં એક અશોક યુનિવર્સિટી છે, ત્યાં ઇતિહાસ ભણાવતા અધ્યાપક નયનજોત લાહિરીએ એક લેખમાં લખ્યું છે કે થોડા સમય પૂર્વે બિહારના રાજકારણમાં સમ્રાટ અશોકનું નામ લઈને જાતિવાદી રાજકારણ ખેલવામાં આવ્યું હતું, હવે મૌલિક અશોકીયન સ્થિતિને બદલે ભારતીયોએ “મસ્ક્યુલર નેશનાલિઝ્મ” જોવું પડશે!

આપણાં લિબરલો અને અર્બન નક્ષલોને બીજું કશું ના સૂઝે ત્યારે નેશનાલિઝ્મ પર તૂટી પડે છે ને છેક ફાસીઝ્મ સુધી પહોંચી જાય છે. અત્યારે આ એમ્બ્લમ હાથ આવી ગયું અને અશોકની અહિંસા સાથે જોડાયેલુ આ સ્થાપત્ય બદલી નાખવાનું કામ મોદીએ કર્યું છે એવો પ્રચાર શરૂ થઈ ગયો. આઝાદી પછી જવાહરલાલ નેહરૂના પ્રભાવ હેઠળ દેશનીતિ ચાલી તેમાં રાષ્ટ્રચિહન પસંદ કરાયું તે આ સારનાથનું આ સિંહ શિલ્પ સાથેનું ધર્મચક્ર. તેમાં અહિંસા પરમો ધર્મ સૂત્ર અંકિત કરવામાં આવ્યું. આમાં ગાંધીજી અને સમ્રાટ અશોકે પ્રવર્તાવેલી અહિંસા બંનેનો પ્રભાવ છે. નહિ તો એજ વર્ષોમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફોજનું ચિહ્ન – ધસમસતો દીપડો- પસંદ થઈ શક્યું હોત, એ જ વર્ષોમાં ભારતીય આઝાદી જંગમાં રંગૂંનથી ઇમ્ફાલ સુધી 60,000 ભારતીય સૈનિકોએ રક્તરંજિત બલિદાનો આપ્યાં હતા, તેને ઉચિત અંજલિ આપી ગણાઈ હોત. પણ ના. એટલે સારનાથની આ પ્રતિમા પસંદ કરાઇ. તે સમ્રાટ અશોકનું પણ ધર્મ ચિહ્ન હતું અને આખું સારનાથ બોદ્ધ પ્રભાવ હેઠળ હતું જેનું મુખ્ય સૂત્ર અહિંસાનું હતું.

આ તો આપણાં પાઠ્યપુસ્તકો અને ઈતિહાસકારોના ઈતિહાસમાં દર્શાવાતું રહ્યું છે કે અશોકે કલિંગ વિજય દરમિયાન હિંસાનું સ્વરૂપ જોયું અને હૃદય દ્રવી ઉઠ્યું, તેણે હિંસાનો ત્યાગ કર્યો, બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આપણે ત્યાં જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ છે, તેમાં આવા ઉપદેશો છે અને ઈતિહાસકારો તેના પર વારી જાય છે. પણ કેટલાક સંશોધકોએ દર્શાવ્યું છે કે આ શિલાલેખની પાછળ રુદ્રદામનનો શિલાલેખ છે તેમાં જુનાગઢ પર ફરી વળેલા સુવર્ણસિકતા પલાશીની નદીના પૂરથી સુદર્શન તળાવ ફાટયું ત્યારે નગરજનોને બચાવી લેવાનું કાર્ય રુદ્રદામને કર્યું હતું.

આ પણ વાંચો

પણ રસપ્રદ વાત તો અશોકની અહિંસા વિષે છે. શું સાચે જ આ રાજવીનો યુદ્ધ અને હિંસા જોઈને હૃદય-પલટો થયો હતો? એક ઈતિહાસકારે હિન્દ મહાસાગરના પ્રભાવે સરજેલી મનુષ્યના ઇતિહાસની બદલાતી તસવીરનું ઊંડાણથી અધ્યાન કરીને એક પુસ્તક લખ્યું છે, નામ છે “ ocean of churn: how the Indian ocean shaped human history” આમ તો તેમણે સેવન રિવર્સ અને ઇંડિયન રેનેસાં જેવા ખ્યાત પુસ્તકો લખ્યા છે. વૈશ્વિક નિષ્ણાતોમાં તેમનું સ્થાન છે. આ ભારતીય સંશોધક છે સંજીવ સાન્યાલ. પાંચેક વર્ષ પર પ્રકાશિત આ પુસ્તક આપણને આપણાં સમુદ્રના વૈશ્વિક પ્રભાવની રસપ્રદ અને તથ્યો સાથેની ચર્ચા કરી છે. એમાં મેલુહા આવે છે, કોણ્ડિન્યના વિવાહની દાસ્તાન છે, બરફ અને વંશ પ્રક્રિયાનું સરસ વિશ્લેષણ છે, વેપાર, મંદિર અને અનાજના અનુબંધ વિષે લખ્યું છે, ખજાનો અને મરી મસાલા જેવા સામાન્ય લાગતાં વિષયનો અદ્દભુત સંજોગ બતાવ્યો છે, પ્રતિશોધની ભૂ-રાજકીય ઘટના પણ છે.

પણ મહત્વની વાત સમ્રાટ અશોક વિષે છે. કલિંગની ઘટનાનો ઉપયોગ ચતુર અશોકે માત્ર રાજકીય રીતે કર્યો હતો એવું કહેવામાં આવે તો આઘાત લાગે, કેમ કે ઈતિહાસમાં આવું તો ક્યાંય ભણ્યા નથી! કલિંગ વિજય પછી તેમાં જે તબાહી જોઈ એટ્લે અશોકના મનમાં દુખનો સમુદ્ર પેદા થયો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો, આ માત્ર દંતકથા છે કેમ કે અશોકે તો કલિંગ યુદ્ધથી બે વર્ષ પહેલા જ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ખરી વાત એ છે કે ઈ.સ. પૂર્વે 274માં બિન્દુસાર બીમાર થઈને મૃત્યુ પામ્યો ત્યારે રાજ્ય માટે અધિકાર ધરાવતો પુત્ર સુશીમ મોરચા પરથી આવ્યો ત્યારે સાવકા ભાઈ અશોકે તેણે મારી નાખવ્યો, ખૂની રાજયુદ્ધ ચાર વર્ષ ચાલ્યું અને 99 સાવકા ભાઈની હત્યાઓ થઈ એમ બૌદ્ધ ઇતિહાસ કહે છે, તે પછી અશોક 270 માં રાજગાદી મેળવી શક્યો.

કલિંગ યુદ્ધમાં એક લાખ માર્યા અને તેના પશ્ચાતાપની કોઈ જ કથા તે વિસ્તારના કોઈ શિલાલેખમાં નથી! લેખક સાન્યાલ તો એમ પણ કહે છે કે આ અભિલેખોનો રાજકીય પ્રોપેગંડા તરીકે અશોકે કુશળતાથી ઉપયોગ કર્યો. સૌથી મહત્વની વાત એ છે કે કલિંગના પશ્ચાતાપ પછી તેણે નરસંહાર ચાલુ રાખ્યો, તેના પિતાએ જ સંપ્રદાય ઊભો કર્યો હતો તે આજીવક સમૂહોને, જેની સંખ્યા 18000 હતી, મોતને ઘાટ ઉતાર્યા. આ નોંધ બૌદ્ધ ગ્રંથ “અશોકાવદાન” માં છે. ઇતિહાસના ખંડેરોમાં આવા ઘણા બધા સત્ય,અર્ધ સત્ય અને દંતકથાઓ દટાયેલી છે. આપણે સ્વીકારી લીધેલા ધર્મચક્રને રાષ્ટ્રીય વિવેક સાથે જોડીને સન્માન જરૂર કરીએ પણ ક્યાંક આવી કથાઓ પડી છે જેને સાન્યાલ જેવા નિષ્ણાતો વિશ્લેષણ સાથે પ્રસ્તુત કરી ચૂક્યા છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article