
Golden Tea: તમે ચા માટે વધુમાં વધુ કેટલા રૂપિયા ચુકવો? અમદાવાદમાં તો કટિંગમાંથી ય કટિંગ થાય એટલે 10 રૂપિયામાં બે કે ત્રણ જણાય પી લે, કંઈ કહેવાય નહીં; પણ દુબઈમાં 24 કેરેટ ગોલ્ડ ફ્લેક્સ નાખીને ચા (Golden Tea) બનાવાય છે જે તમને 51 દિરહામમાં પડે!
સૌથી પહેલો જ સવાલ એ કે દુબઈનું શું વખણાય છે ?
દાઉદ !
અલ્યા, એને વખણાય છે, કહેવાય ? કુખ્યાત કહેવાય.
હા, તો બીજું શું વખણાય છે ?
બુર્જ ખલીફા.
હા, પણ એ સિવાય ?
સોનુ સૂદ.
ઓ ભાઈ, સોનુ સૂદ મુંબઈમાં છે અને એ આપણા ભારતનો વખણાય છે યાર !
ઓકે. સોનુ એટલે કે ગોલ્ડ વખણાય છે. ચાલો મુદ્દાની વાત કરો.
હા, તો સોનુ દુબઈનું જાણીતું છે. પણ આપણે એનું શું કરવાનું છે ?
કંઈ નહીં, એમાંથી ચા બનાવવાની છે. ગોલ્ડ ટી. સોનુ નાખેલી ચા, ઘણા લોકો જેને ચ્હા કહે છે એ ચા.
તે એના માટે દુબઈ જવાની જરૂર નથી, બકા અહીં અમદાવાદમાં પણ બની જાય, એનાથી ય સસ્તામાં.
કેવી રીતે ?
એ એવી રીતે કે આપણું અમૂલ ‘ગોલ્ડ’ દૂધ આવે છે કે નહીં ? બસ તો એ ગોલ્ડની જ આપણે ચા બનાવીએ એટલે ચા પણ ગોલ્ડ ટી જ કહેવાય ને !
ભાઈ, તમે સા.બુ. વાપરો.
એટલે ? એટલે સામાન્ય બુદ્ધિ. આ ગોલ્ડ એટલે એટલે 24 કેરેટ સોનુ. બપ્પી લહેરી પહેરે છે એ સોનુ, અમિતાભ બચ્ચન જે કલ્યાણમાં વેચે છે એ સોનુ, મુથ્થુટવાળા જેને ગીરવે મુકીને લોન આપે છે એ સોનુ ખ્યાલ આયો ?
અને એ જ સોનાની ચાની વાત છે. જી હાં, બહેનો ઔર ભાઈઓ દુબઈ (Dubai) માં મળે છે પ્યોર ગોલ્ડની ચા. જેમાં નાખવામાં આવે છે સોનુ ઉર્ફે ગોલ્ડ. થોડા વખત પહેલાં દુબઈના ખલીજ ટાઈમ્સ અને ગલ્ફ ન્યૂઝ વગેરેમાં આ ચાની વિગતે વાત કરાઈ છે.
ટી શેફ તરીકે જાણીતા ઝંકારે કોરોના વખતે થયેલા લોકડાઉનમાં ઘેર બેઠા સોનાની ચાની રેસિપી શોધી કાઢી
આ લેખમાં જેમનો ઉલ્લેખ છે એ છે દુબઇ સ્થિત ઝંકાર ઉચાટ નામના ગરવી ગુજરાતણ છે. મુંબઈના મૂળ વતની ચાના શોખીન અને દુબઈમાં ટી શેફ તરીકે જાણીતા ઝંકારે કોરોના વખતે થયેલા લોકડાઉનમાં ઘેર બેઠા સોનાની ચાની રેસિપી શોધી કાઢી અને એના પર ઉંડું રિસર્ચ કર્યુ.
દુબઈની ફેમસ ઝાફરાની ચા અને કડક ચા ને મિક્સ કરી કેસર અને અસલી 24 કેરેટ સોનાના ફ્લેવરથી સજાવી દુબઇવાસીઓને એક અલગ પ્રકારની ચા તૈયાર કરી હતી. ઝંકાર દુબઇમાં ટી શેફ તરીકે પણ ફેમસ છે. હવે સોનાની ચા હોય એટલે ભાવ પણ સોનેરી હોવાનો જ, તો એ સમયે એની કિંમત એકાવન દિરહામ રાખવામાં આવી હતી. એટલે કે લગભગ 1 હજાર રૂપિયાની આસપાસ સમજો.
સોનાના નાજુક ફ્લેક્સ દૂધ અને પીસેલા કેસરના જાડા ફીણ પર મૂકવામાં આવે છે
આ ચા બને છે કેવી રીતે ?
ગાયના તાજા દૂધમાંથી તૈયાર કરાયેલી આ ચા ઉકાળવામાં આવ્યા પછી, સોનાના નાજુક ફ્લેક્સ દૂધ અને પીસેલા કેસરના જાડા ફીણ પર મૂકવામાં આવે છે, જોકે આ સુવર્ણ ધાતુને ચા ના સ્વાદમાં વધારો કરે તેવી રીત શોધવામાં તેમને 2 મહિના જેટલો સમય લાગ્યો.
તો આ વાંચ્યા પછી શું વિચાર છે ? એકાદ સોનાની ચેન બેન મુકો ચા ભેગી ઉકાળવા, નહીં તો ઉપડો સોનીને ત્યાં અને એમાંથી ચા જેવી પત્તી બનાવડાવી લો પછી ઉકાળો. એક મિનિટ, ઘરમાં લોહી ઉકાળો ના થાય એ જોજો પાછા.
ખ્યાલ આયો ?
આ પણ વાંચો: RAJKOT : ઉપલેટા તાલુકાનો વેણુડેમ ઓવરફલો, વેણુડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યાં
આ પણ વાંચો: Surat : હવે સુરતમાં તૈયાર થયા ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિ