Goa : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ગોવાના ધારબંદોડામાં સ્થાયી ગોવા કેમ્પસનું વિધિવત્ ભૂમિપૂજન-શિલાન્યાસ અને કુરતી-પોંડા સ્થિત અસ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન તા.14મી ઓક્ટોબર, 2021, ગુરુવારે ઉદ્ઘાટન થશે.
આ ભૂમિપૂજન અને ઉદ્ઘાટન સમારોહમાં ગોવાના રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ, ગોવાના મુખ્યમંત્રી ડો.પ્રમોદ સાવંત, પ્રવાસન અને બંદરો, જહાજ અને જળ માર્ગ રાજ્ય મંત્રી, શ્રીપાદ યેસો નાઈક, ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકર અને મનોહર અજગાંવકર સહિત રાજ્યમંત્રીમંડળના સભ્યો, અજય કુમાર ભલ્લા, ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર; પુણ્ય સલીલા શ્રીવાસ્તવ, અધિક સચિવ, મહિલા સુરક્ષા અને આંતરિક સુરક્ષા, ગૃહ મંત્રાલય, NFSUના કુલપતિ ડો. જે. એમ. વ્યાસ સહિત વિવિધ ક્ષેત્રના અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી એ ફોરેન્સિક વિજ્ઞાનને સમર્પિત વિશ્વની એકમાત્ર અને સૌપ્રથમ યુનિવર્સિટી છે. NFSUના કુલપતિ ડો. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક વર્ષ-2021-22થી યુનિવર્સિટી દ્વારા દેશમાં વધુ બે કેમ્પસનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગોવા સરકાર દ્વારા દક્ષિણ ગોવાના ધારબંદોડા ખાતે અપાયેલી વિશાળ 50 એકર જગ્યામાં NFSUના સ્થાયી કેમ્પસનું ‘વિધિવત્ ભૂમિપૂજન-શિલાન્યાસ’ અને કુરતી-પોંડા ખાતે NFSUના અસ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન આગામી ગુરુવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કરકમળો દ્વારા થશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ અને ગોવાના મુખ્યમંત્રી ડો.પ્રમોદ સાવંત સહિત મહાનુભાવો ત્યાં ઉપસ્થિત સભાને સંબોધશે. આ પ્રસંગે સમગ્ર ગોવામાંથી અંદાજિત 3,500થી વધુ લોકો ત્યાં ઉપસ્થિત રહેશે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અને “ગોવા મુક્તિ સંગ્રામના 60 વર્ષ”ની ઉજવણીના વિશિષ્ટ અવસરે ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગોવા રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું કેમ્પસ શરૂ કર્યું છે. જે ફોરેન્સિક વિજ્ઞાનના પ્રશિક્ષણ દ્વારા સ્થાનિક સ્તરે ગુના નિવારણ, ગુનામાં ઘટાડો લાવવામાં તથા ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ ઉપલબ્ધ બનશે. જેનાથી સામાન્ય લોકોના પ્રશ્નોનો ઝડપથી અને સંતોષકારક રીતે ઉકેલ લાવી શકાશે. આ રીતે, એનએફએસયુનું આ ‘ગોવા કેમ્પસ’ સ્થાનિક સ્તરે (જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ)ને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.
આ શૈક્ષણિક વર્ષ-2021-22માં ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા ચાર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગોવા કેમ્પસમાં પાંચ વર્ષીય બી.એસસી.-એમ.એસસી. ફોરેન્સિક સાયન્સ, તથા બે વર્ષીય ત્રણ કોર્સમાં એમ.એસસી. ફોરેન્સિક સાયન્સ, એમ.એસસી. ડિજિટલ ફોરેન્સિક્સ અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી, એમ.એસસી. સાયબર સિક્યોરિટીના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મોહન ભાગવતે કહ્યું, દેશમાં સાવરકરને બદનામ કરવા અભિયાન ચલાવાયું, સાવરકરના ગાંધીજી અને આંબેડકર સાથે સારા સંબંધો હતા