સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરોને મળે અનાજ

સુપ્રિમ કોર્ટે કહ્યું કે ખાતરી કરવી જોઈએ કે રેશન કાર્ડ ( Ration Card)અથવા ઓળખકાર્ડના અભાવને કારણે મજૂરો કોઈ પણ રાજ્યમાં અનાજથી વંચિત ન રહે.

સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરોને મળે અનાજ
સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરને મળે અનાજ
| Updated on: Jun 11, 2021 | 9:37 PM

સુપ્રીમ કોર્ટે(Supreme Court)આજે કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પરપ્રાંતિય કામદારોને રાહતની બાબતે વિગતવાર સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો કે કેન્દ્ર દ્વારા નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે ખાતરી કરવી જોઈએ કે રેશન કાર્ડ ( Ration Card)અથવા ઓળખકાર્ડના અભાવને કારણે મજૂરો કોઈ પણ રાજ્યમાં અનાજથી વંચિત ન રહે.

નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ મળશે

સુપ્રીમ કોર્ટે(Supreme Court)અગાઉની સુનાવણીમાં કોર્ટે રાજ્યોને સ્થળાંતર કરતા કામદારોને અનાજ અને ખોરાક પૂરો પાડવા જણાવ્યું હતું. લોકોને ભોજન આપવા માટે સામુદાયિક રસોડું શરૂ કરવું જોઈએ. આજની સુનાવણીમાં સૌ પ્રથમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ મળશે. આ વાત પર જસ્ટીસ અશોક ભૂષણ અને એમ.આર.શાહની ખંડપીઠે બે બાબતો પર સ્પષ્ટતા માંગી હતી. તેમણે પૂછ્યું કે

* ‘વન નેશન- વન રેશનકાર્ડ’ યોજના હેઠળ રાજ્યો કોઈ પણ રાજ્યના રેશનકાર્ડ( Ration Card)પર સ્થળાંતર કરતા મજૂરોને અનાજ આપતા હોય છે?
* જેની પાસે રેશનકાર્ડ( Ration Card)અથવા ઓળખકાર્ડ નથી તેમને રેશન આપવાની શું વ્યવસ્થા છે?

સોલિસિટર જનરલે કહ્યું કે કેન્દ્ર રાજ્યોને અનાજ આપવા માટે તૈયાર છે. પરંતુ ખુદ રાજ્યને આવા જરૂરીયાતમંદ લોકોને ઓળખવા પડશે જેમની પાસે રેશનકાર્ડ નથી. કોર્ટે કહ્યું, “ઘણા રાજ્યોમાં કાર્ડ વિના અનાજ આપવાની કોઈ યોજના નથી. આ મામલો સંપૂર્ણ રીતે રાજ્યો પર છોડી શકાય નહીં.”

મહેતાએ જણાવ્યું હતું કે જાહેર વિતરણ વિભાગના સચિવ રાજ્ય અધિકારીઓ સાથે વાત કર્યા પછી સમાધાન શોધવાનો પ્રયાસ કરશે. પંજાબ, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોએ કોર્ટને જાણ કરી કે તેઓ ‘વન નેશન, વન રેશનકાર્ડ’ ને અનુસરે છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે રેશનકાર્ડને આધાર સાથે જોડવામાં સમસ્યા હોવાને કારણે તે હજી સુધી તેમની જગ્યાએ લાગુ કરવામાં આવી નથી. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે કારણ ગમે તે હોઈ શકે. તમારે આ યોજના તાત્કાલિક લાગુ કરવી જોઈએ. તેમાં વિલંબ થવો જોઈએ નહીં.

Published On - 8:47 pm, Fri, 11 June 21