ભારતને (India) અત્યાધિક ગૌરવ અપાવનાર શાસ્ત્રીય સંગીતની મહાન હસ્તી (Indian Classical Music) પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) આજે નિધન થયું છે. આ સમાચારથી અત્યારે દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુના મેદાની વિસ્તારના વતની શિવકુમાર શર્માનો જન્મ પંડિત ઉમા દત્ત શર્માના ઘરે થયો હતો. નાનપણથી જ તેમને સંગીતનું શિક્ષણ મળ્યું હતું. પરિવારમાં વાતાવરણ એવું હતું કે, સવારનો સૂરજ પણ સંગીતમય હોય અને સાંજ સંગીતની છાયામાં પસાર થતી હતી. તેમના પિતાએ 5 વર્ષની ઉંમરથી પંડિત શિવકુમારને સંગીત શીખવવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા તે સમયે ‘સંતૂર’ વાદ્ય પર સંશોધન કરી રહ્યા હતા. તે સમયે તેમણે પુત્ર માટે એક ભવિષ્યવાણી કરી હતી.
પંડિત શિવકુમારના પિતાની એ ભવિષ્યવાણી ઘણા વર્ષો પછી સાચી પડી છે. તેમના પિતાએ ત્યારે જ નક્કી કર્યું હતું કે ભલે ગમે તે થાય, શિવકુમાર દેશના પ્રથમ એવા કલાકાર બનશે, કે જે સંતૂર પર ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડશે અને તેની મહાન સંસ્કૃતિને આગળ વધારશે, દેશનું નામ રોશન કરશે. આગળ જતા કંઈક એવું જ થયું. 13 વર્ષની ઉંમરે શિવકુમારે સંતૂર વગાડવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે તે આ કળામાં નિપુણ બન્યા. તે સમયે શિવકુમાર શર્માએ વર્ષ 1955માં પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. તેમનો પ્રથમ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો.
તમને જણાવી દઈએ કે, શિવકુમાર શર્મા સંતૂરના માસ્ટર હોવાની સાથે એક સારા ગાયક પણ હતા. પરંતુ તેમના પિતાના શબ્દો તેમના માટે ઘણા અર્થપૂર્ણ હતા. તેઓ તેમના પિતાના નિર્ણય વિશે જાણતા હતા. તેમના પિતાનું આ સપનું સાકાર કરવામાં તેમણે પણ જાણે એક એક શ્વાસ રેડી દીધો હતો. પંડિત શિવકુમાર શર્માનું પહેલું આલ્બમ વર્ષ 1960માં આવ્યું હતું. 1965માં તેમણે દિગ્દર્શક વી. શાંતારામની ફિલ્મ માટે સંગીત આપ્યું હતું. આ ફિલ્મ હતી- ‘ઝનક ઝનક પાયલ બાજે’…
શિવકુમાર શર્માએ પાછળથી ઘણી હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. પંડિત શિવકુમાર શર્માએ પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા સાથે ઘણી હિન્દી ફિલ્મોમાં તેમનું સંગીત આપ્યું હતું. આ કામ તેમણે વર્ષ 1970માં શરૂ કર્યું હતું. ત્યારથી, તેઓ શિવ-હરિના નામથી પ્રચલિત થવા લાગ્યા હતા. પંડિત શિવકુમાર શર્માએ તેમની કારકિર્દીમાં ફાસલે, ચાંદની, લમ્હે અને ડર જેવી અતિ સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું.