
Seema Haider: પાકિસ્તાનની સીમા હૈદરનો કેસ તો ચર્ચાનો વિષય બની ગયો છે. નોઈડાના સચિન નામના યુવક સાથે PUBG રમતા રમચા પ્રેમમાં પડી ગયેલી સીમા હૈદર સીમા પાર કરી ભારત આવી ગઈ છે. 27 વર્ષીય સીમા તેને મળવા તેના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારત આવી ગઈ હતી. તેણે બાળકોના નામ બદલી નાખ્યા અને હવે તે પોતાનો ધર્મ બદલવા તૈયાર છે. ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ લેવા બદલ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં જામીન મળ્યા બાદ તે હવે નોઈડામાં સચિનના ઘરે રહે છે.
સીમા હૈદરના મામલામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમ કે- તે ભારતમાં રહી શકે છે કે નહીં? પાકિસ્તાનથી આવતા લોકોને નાગરિકતા આપવા અંગે કાયદો શું કહે છે? જો તેણી મુસ્લિમમાંથી હિંદુ બની જાય, તો શું નિયમો હળવા થશે અને તેના કિસ્સામાં શું થઈ શકે છે ચાલો જાણીએ સમગ્ર માહીતી.
ભારતમાં એન્ટ્રી લેવા માટે ઘણા નિયમો છે. પાસપોર્ટ એક્ટ 1920 કહે છે કે વ્યક્તિ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. વિઝા લેવા જોઈએ. ભારતમાં રહેવાની પરવાનગી હોવી જોઈએ. ફોરેનર્સ એક્ટ 1946 કહે છે કે જો વિદેશીઓ ભારત આવે છે, તો તેઓ વિઝાની અવધિ સુધી જ અહીં રહી શકે છે. આ સિવાય અહીં તેને લગતી અલગ-અલગ ઓફિસમાં એન્ટ્રી કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ આશિષ પાંડેનું કહેવું છે કે, આ સમગ્ર મામલાને જોતા સૌથી મોટો મુદ્દો એ છે કે તેઓએ ભારતમાં ગેરકાયદેસર રીતે એન્ટ્રી લીધી છે. આ રીતે તેઓ ગેરકાયદેસર સ્થળાંતર કરનારા છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરે છે, તો કાયદો કહે છે કે તેને દેશનિકાલ કરવામાં આવશે, એટલે કે, તે જ્યાંથી આવી હતો તે દેશમાં પાછી મોકલવામાં આવશે.
ફોરેનર એક્ટ કહે છે કે આવા લોકો જે ગેરકાયદેસર રીતે ભારત પહોંચે છે અથવા વિઝાની નિર્ધારિત મુદત વીતી ગયા પછી પણ અહીં રહે છે, તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. તેમને 5 વર્ષની જેલનો દંડ પણ થઈ શકે છે. સીમા હૈદરના મામલામાં આ અંગે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. હવે તેને જામીન મળી ગયા છે અને હવે આ કેસ ચાલી રહ્યો છે.
આ કેસમાં તેનો ગુનો પણ સાબિત થશે કારણ કે તેણે પોતે ગેરકાયદેસર રીતે એન્ટ્રી લીધી હોવાની કબૂલાત કરી છે. તેનું કહેવું છે કે તેને ખબર નહોતી કે ભારતમાં પ્રવેશની આ પદ્ધતિ ગેરકાયદેસર છે. આ કિસ્સામાં તેમને દેશનિકાલ કરી શકાય છે. જો આમ ન થાય તો તેની ધરપકડ પણ થઈ શકે છે.
એડવોકેટ આશિષ પાંડે કહે છે કે, ભારતમાં નાગરિકતા મેળવવાના કેટલાક રસ્તાઓ છે. ઉદાહરણ તરીકે, જે સમયે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, તે સમયે ભારતમાં જે પણ હાજર હતા તેને નાગરિકતા મળી હતી. જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમને અહીંની નાગરિકતા મળે છે.
ત્રીજી રીત રજીસ્ટ્રેશન છે. ઉદાહરણ તરીકે, જો અહીંનો કોઈ છોકરો અન્ય દેશની છોકરી સાથે લગ્ન કરે છે અથવા વિદેશી છોકરી ભારતીય છોકરા સાથે લગ્ન કરે છે, તો તે ભારતની નાગરિકતા માટે અરજી કરી શકે છે.
ચોથો રસ્તો- જો તમે 11 થી 15 વર્ષથી ભારતમાં રહેતા હોવ તો પણ તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો. આ કિસ્સાઓમાં, નાગરિકતા ત્યારે જ મળશે જો ભારતમાં તમારો પ્રવેશ ગેરકાયદેસર ન હોય.
પાંચમી રીત- સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) કહે છે કે જો તમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પડોશી દેશમાં લઘુમતી (ધાર્મિક લઘુમતી) તરીકે રહેતા હોવ અને ધર્મ માટે અત્યાચાર ગુજારતા હોવ અને ભારતમાં 31 ડિસેમ્બર 2014 સુધી જો તમે આવ્યા હોત તો તમે નાગરિકતા મેળવી શકે છે. આ માટે સૌથી મોટી શરત તે દેશોમાં લઘુમતી હોવાની હતી.
સીમા હૈદરનો કેસ ભારતમાં નાગરિકતાના કોઈપણ માપદંડમાં બંધ બેસતો નથી. તેથી હાલના સંજોગોના આધારે નાગરિકતા આપી શકાય નહીં.
જો સીમા હૈદર પોતાનો ધર્મ બદલી નાખે તો શું તેને નાગરિકતા લેવામાં રાહત મળશે? આ પ્રશ્નનો જવાબ આપતા એડવોકેટ આશિષ પાંડે કહે છે કે, ધર્મ બદલ્યા પછી પણ તેમને કોઈ રાહત નહીં મળે કારણ કે આ 2014 પછીની વાત છે. બીજું, તે પાડોશી દેશમાં લઘુમતી પણ નથી રહી.
દેશમાં અવારનવાર એવા કિસ્સાઓ બને છે કે જ્યારે કોઈ ભારતીય પાકિસ્તાનમાં લગ્ન કરે છે અથવા ત્યાંની કોઈ વ્યક્તિ ભારતમાં લગ્ન કરે છે, તો તેને એકબીજાના દેશની નાગરિકતા મળી જાય છે, પરંતુ સીમા હૈદરના કિસ્સામાં પરિસ્થિતિ અલગ છે.
આ માટે સીમા હૈદરે કાયદાકીય પદ્ધતિ અપનાવવી પડશે. જો તેણી કોર્ટમાં માફી માંગે અને તે સ્વીકારવામાં આવે, તો ભારત સરકાર તેને દેશનિકાલ કરશે. આ પછી, તેઓએ ભારત આવવા માટે કાયદાકીય પદ્ધતિ અપનાવવી પડશે.
જો તે ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માંગતી હોય તો પહેલા તેણે તેના પતિને છૂટાછેડા આપવા પડશે. આ પછી તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા પડશે. આ પછી તેઓએ ભારતમાં નાગરિકતા માટે અરજી કરવી પડશે. જો તેઓ ભારતીય પુરુષ સાથે કાયદેસર રીતે લગ્ન કરે તો તેઓ નાગરિકતા મેળવી શકે છે.