રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે એક ચર્ચા દરમિયાન કહ્યું કે સાવરકર આજના યુગમાં રાષ્ટ્રીય મુદ્દો બની શકે નહીં જ્યારે દેશમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે ‘હું સાવરકર નથી’.તેમના નિવેદન બાદથી રાહુલ ગાંધી પર ભાજપ સહિત અનેક પક્ષો દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે. આ નિવેદન સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પછી મહા વિકાસ આઘાડીમાં તેમના સહયોગી શરદ પવારે પણ રાહુલ ગાંધીને સાવરકરની ટીકા ન કરવા કહ્યું હતુ. પવારે ચર્ચા દરમિયાન કહ્યું કે આજના યુગમાં સાવરકર રાષ્ટ્રીય મુદ્દો નથી, જૂની વાત છે. અમે સાવરકર વિશે ઘણી બધી વાતો કહી છે પણ તે અંગત નહોતી. આ બધા હિંદુ મહાસભા વિરુદ્ધ હતા. જોકે, પવારે સાવરકરના બલિદાનને યાદ કરાવ્યું અને કહ્યું કે આપણે તેમના દેશની આઝાદી માટે આપેલા બલિદાનને ભૂલવું ન જોઈએ.
પવારે સાવરકરને પ્રગતિશીલ નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમણે આ વિશે ઘણા વર્ષો પહેલા સંસદમાં પણ વાત કરી હતી. પવારે કહ્યું કે તેણે રત્નાગીરીમાં ઘર બનાવ્યું છે અને તેની સામે એક નાનું મંદિર પણ બનાવ્યું છે. તેમણે મંદિરની પૂજા કરવા માટે વાલ્મિકી સમુદાયના એક વ્યક્તિને રાખ્યો હતો, જે પોતાનામાં ખૂબ જ પ્રગતિશીલ વિચાર હતો.
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ કર્યા બાદ વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. અહેવાલો અનુસાર, શરદ પવારે આ બેઠકમાં કહ્યું હતું કે સાવરકર આરએસએસ નથી. આ મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીએ આ વાત સ્વીકારી લીધી અને સાવરકરને મુદ્દો ન બનાવવાનું મન બનાવ્યું. આનું કારણ મહારાષ્ટ્રમાં તેમના કેટલાક સાથી પક્ષો રાહુલના નિવેદનથી નારાજ હતા.
શરદ પવારે ચર્ચામાં કહ્યું કે બ્રિટનમાં રાહુલ ગાંધીનું ભાષણ એટલો મહત્વનો મુદ્દો નથી. ભૂતકાળમાં પણ સરકારની ટીકા થઈ છે. અગાઉ પણ ઘણા નેતાઓ સરકારની ટીકા કરી ચૂક્યા છે. પરંતુ આજકાલ આવા મુદ્દાઓ વારંવાર ઉઠી રહ્યા છે.