New Delhi: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની વેધર એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તૈયાર રહો અને સુરક્ષિત રહો.
શુક્રવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. IMD અનુસાર શુક્રવારે સવારે 8:30 વાગ્યા સુધી 4.1 મિમી વરસાદ નોંધાયો હતો. દિલ્હી-એનસીઆરમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ઝરમર ઝરમર વરસાદની પણ શક્યતા છે. આ દરમિયાન અહીંના લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મરાઠવાડા, તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ચાર દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દેહરાદૂનના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
Published On - 9:35 am, Sat, 16 September 23