દેશભરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ હિજાબ (Hijab Controversy) નો દોર હવે રાજસ્થાન (Rajasthan) માં પણ પ્રવેશી ગયો છે. કેસ મુજબ, જયપુર (Jaipur) ગ્રામીણના ચક્સુ તાલુકાની એક ખાનગી કોલેજમાં બુરખો પહેરીને પહોંચેલી વિદ્યાર્થિનીઓ સાથે હંગામો થયા બાદ જયપુરમાં હિજાબનો વિવાદ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના રાજધાની જયપુરથી લગભગ 50 કિલોમીટર દૂર એક ખાનગી કોલેજની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચક્સુ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વર્માએ જણાવ્યું કે કોલેજમાં વાતાવરણ હવે શાંત છે. પરામર્શ બાદ લોકોને શાંત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલા પછી, આ અંગે કોલેજ મેનેજમેન્ટનું નિવેદન પણ આવ્યું છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને જ કોલેજમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે.
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ ખાનગી કોલેજમાં શુક્રવારે સવારે કેટલીક યુવતીઓ બુરખો પહેરીને કોલેજ પરિસરમાં પહોંચી હતી, જે બાદ તેમને કેટલાક અજાણ્યા લોકોએ અટકાવ્યા હતા, જે બાદ મામલો ગરમાયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી. તે જ સમયે, કોલેજ પ્રશાસને યુનિફોર્મ પહેરવાનું કહ્યું તે પછી પણ કેટલીક વિદ્યાર્થીનીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પછી વિદ્યાર્થિનીઓએ તેમના પરિવારજનોને સ્થળ પર બોલાવ્યા, ત્યારબાદ વિવાદ વધી ગયો. વિદ્યાર્થિનીઓના પરિવારજનોએ કોલેજ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે, કોલેજ પ્રશાસને સમગ્ર મામલાને દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
નોંધનીય છે કે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં જ્યારથી છોકરીઓ હિજાબ પહેરીને કોલેજ આવતી હતી ત્યારથી દેશમાં હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોલેજે હિજાબને ડ્રેસ કોડ તરીકે ન સ્વીકાર્યા બાદ વિદ્યાર્થીનીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને વિવાદ વધુ ગરમાયો હતો. જોકે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટક હિજાબ કેસની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.