દેશમાં કોરોના વાઈરસના (Corona virus) નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (Omicron) કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (The Union Health Ministry) રાજ્યોને ઓમિક્રોન વિશે જાગૃત રહેવા ચેતવણી આપી છે કારણ કે આ વેરીઅન્ટ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં (India) અત્યાર સુધીમાં ઓમિક્રોનના 216 કેસ નોંધાયા છે. મંગળવારે મહારાષ્ટ્ર, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં નવા કેસની પુષ્ટિ થઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 11 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે અહીં આ વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.
આરોગ્ય વિભાગે કહ્યું કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટથી વધુ 11 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન આઠ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે નવી મુંબઈ, પિંપરી-ચિંચવાડ અને ઉસ્માનાબાદમાં એક-એક વ્યક્તિમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા જમ્મુના એક વિસ્તારમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. 30 નવેમ્બરે સેમ્પલ લેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં RTPCR તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઓડિશામાં ઓમિક્રોનના ઓછામાં ઓછા બે નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા વેરીઅન્ટના આ પહેલાં કેસ છે. ભુવનેશ્વર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ લાઈફ સાયન્સ (ILS)એ 12 નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ કર્યા પછી બે દર્દીઓમાં વેરિઅન્ટના અસ્તિત્વની પુષ્ટિ કરી. બંને તાજેતરમાં નાઈજીરીયા અને કતાર ગયા હતા. આફ્રિકન દેશમાંથી પરત આવેલા વ્યક્તિને રસીના બંને ડોઝ લાગી ચુક્યા છે અને હોસ્પિટલમાં તેની સ્થિતિ સ્થિર છે. આ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકો તપાસમાં નેગેટિવ મળ્યા છે. અન્ય દર્દીની હાલત પણ સ્થિર છે.
1- મહારાષ્ટ્ર- 65
2- દિલ્હી-54
3- તેલંગણા-20
4- કર્ણાટક-19
5- રાજસ્થાન-18
6- કેરળ-15
7- ગુજરાત-14
8- ઉત્તર પ્રદેશ-2
9- આંધ્ર પ્રદેશ-1
10- ચંદીગઢ-1
11- તમિલનાડુ-1
12- પશ્ચિમ બંગાળ-1
13- જમ્મુ અને કાશ્મીર-3
14- ઓડિશા-2
દેશમાં મંગળવારે કોરોનાના 5,326 નવા કેસ નોંધાયા છે, જે 581 દિવસમાં સંક્રમણની સૌથી ઓછી સંખ્યા છે અને આ સાથે સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,47,52,164 પર પહોંચી ગઈ છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઈ ગઈ છે, જે 574 દિવસમાં સૌથી ઓછી છે. માહિતી અનુસાર વધુ 453 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,78,007 થયો છે.
છેલ્લા 54 દિવસથી કોરોનાના દૈનિક નવા કેસ 15,000થી ઓછા રહ્યા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસના 0.23 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. દર્દીઓની રિકવરીનો રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 3,170નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Jammu & Kashmir: માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પર્વત પરના જંગલમાં ભીષણ આગ, જાણો વિગત