Breaking News: ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 10 દર્દી બળીને ભડથુ, 11 કર્મચારી પણ દાઝ્યા

Odisha Hospital Fire: ઓડિશાના કટકમાં એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે.

Breaking News: ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 10 દર્દી બળીને ભડથુ, 11 કર્મચારી પણ દાઝ્યા
| Updated on: Mar 16, 2026 | 8:08 AM

ઓડિશાના કટક શહેરમાં આવેલી એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોમવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલના ટ્રોમા કેર ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં લાગેલી આ આગના કારણે ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાથી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

હોસ્પિટલ સ્ટાફ બચાવ કામગીરીમાં લાગ્યો

આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલ સ્ટાફ અને બચાવ દળે ઝડપથી દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ઘણા દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

11 કર્મચારી પણ દાઝી ગયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ દરમિયાન હોસ્પિટલના લગભગ 11 કર્મચારીઓ દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે.

સરકારે જાહેર કરી સહાય

આ દુઃખદ ઘટનાને લઈને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને ₹25 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી સોમવારે સવારે કટક ખાતે હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને ઘટનાની માહિતી મેળવી હતી. સાથે જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સલામતી અને સારવાર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ ટ્રોમા કેર ICU માં અચાનક આગ લાગી હતી, જેના કારણે થોડા જ સમયમાં ધુમાડો આખા વિભાગમાં ફેલાઈ ગયો હતો. અગ્નિશામક દળે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે અને વહીવટી તંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-LPG History: શું તમને ખબર છે? ભારતમાં પ્રથમ વખત LPG ગેસ ક્યારે આવ્યો? જાણો કયા શહેરથી શરૂ થઈ રસોઈ ગેસની સફર