
New-Old Parliament Difference: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 28 મેના રોજ દેશને નવી સંસદ સોંપવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ માટે તમામ પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સંસદના નવા બિલ્ડીંગમાં રાજ્યસભામાં 384 અને લોકસભામાં 888 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જુની ઈમારતની સરખામણીએ નવી ઈમારત ઘણી બાબતોમાં અલગ છે. આવો તમને જણાવીએ કે સંસદની નવી અને જૂની ઇમારતમાં શું તફાવત છે.
જૂના સંસદ ભવનનું બાંધકામ 1921માં શરૂ થયું હતું. તેનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921 ના રોજ કરવામાં આવ્યો હતો અને બાંધકામ 6 વર્ષ પછી 18 જાન્યુઆરી 1927 ના રોજ પૂર્ણ થયું હતું. ત્યારબાદ તત્કાલીન વાઈસરોય લોર્ડ ઈરવિને સંસદનું ઉદ્ઘાટન કર્યું. સંસદની નવી ઇમારતની વાત કરીએ તો તેનો શિલાન્યાસ ઓક્ટોબર 2020માં કરવામાં આવ્યો હતો. તેનો શિલાન્યાસ પીએમ મોદીએ 10 ડિસેમ્બર, 2020 ના રોજ કર્યો હતો અને હવે 28 મે, 2023 ના રોજ, પીએમ તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
બંને બિલ્ડીંગના ખર્ચની વાત કરીએ તો જૂની બિલ્ડિંગના બાંધકામમાં રૂ.83 લાખનો ખર્ચ થયો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નવી સંસદમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઐતિહાસિક સેંગોલને બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવશે.
આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન અને હર્બર્ટ બેકરે જૂની ઇમારતની ડિઝાઇન તૈયાર કરી હતી. જ્યારે સંસદની નવી ઇમારતની ડિઝાઇન ગુજરાતની કંપની HCP દ્વારા તૈયાર કરવામાં આવી છે. જૂની ઇમારત ગોળાકાર આકારની છે, જેની બહાર 144 સ્તભ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર છે. નવી સંસદ ભવનનાં નિર્માણમાં 60,000 કામદારોએ યોગદાન આપ્યું છે.
સંસદની જૂની ઇમારત 566 મીટર વ્યાસમાં બનાવવામાં આવી હતી જ્યારે નવી ઇમારતનો વિસ્તાર 64,500 ચોરસ મીટર છે. જૂના બિલ્ડીંગમાં લોકસભાના 550 અને રાજ્યસભાના 250 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે, જ્યારે નવા બિલ્ડીંગમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.