
એક બાજુ વસ્તી વધી રહી છે. તો બીજી તરફ મિઝોરમમાં વસ્તી ઘટી રહી છે. વસ્તી વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્ય મિઝોરમના (Mizoram) સૌથી મોટા અને સૌથી શક્તિશાળી પ્રેસ્બિટેરિયન ચર્ચે (Presbyterian Church) રાજ્ય સરકારને વિવાહિત યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા મહિલાઓ માટે પ્રસૂતિ રજા (maternity leave) વધારવા વિનંતી કરી છે. પ્રેસ્બીટેરિયન ચર્ચની સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા ધરાવતા સિનોડના પ્રતિનિધિઓ દ્વારા શનિવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આઇઝોલના સ્થાનિક ચર્ચ રિપબ્લિક વેંગ ખાતે મંગળવારથી વાર્ષિક સભા યોજાઇ હતી અને રવિવારે તેનું સમાપન થયું હતું. રાજ્યભરના મોટાભાગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચર્ચના સભ્યો અને સમગ્ર મિઝોરમની વસ્તીમાં વધારો તેમના અસ્તિત્વ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની ગયો છે.
બાળકોને જન્મ આપીને જ વસ્તી વધારી શકાય
તેમણે કહ્યું કે વધુ બાળકો પેદા કરીને જ વસ્તી વધારી શકાય છે અને રાજ્ય સરકારમાં કામ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ રજાના દિવસો વધારવાનું સૌથી મહત્ત્વનું પ્રોત્સાહન છે. વધુમાં જણાવ્યું હતું કે જે મહિલાઓને વધુ બાળકો હોય તેમની પ્રસૂતિ રજા લંબાવવા માટે રાજ્ય સરકારને અપીલ કરવાનો નિર્ણય સ્વીકારવામાં આવ્યો છે અને સિનોડ કોન્ફરન્સે રાજ્ય સરકાર સાથે આ બાબતને આગળ ધપાવવા માટે સિનોડ એક્ઝિક્યુટિવ કમિટીને અધિકૃત કરી છે.
માત્ર પ્રેસ્બીટેરિયન ચર્ચ જ નહીં પરંતુ મિઝોરમનું બેપ્ટિસ્ટ ચર્ચ જે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું ચર્ચ છે અને અન્ય ચર્ચો પણ દેશમાં લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ટકી રહેવા માટે રાજ્યમાં વધુ બાળકો પેદા કરવાનો આગ્રહ કરી રહ્યાં છે. તે જ સમયે યંગ મિઝો એસોસિએશનની કેન્દ્રીય સમિતિએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. ચર્ચ અને YMA માને છે કે મિઝોરમ, એક આદિજાતિ અને ધાર્મિક લઘુમતી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવા અને યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે તેની વસ્તી વધારવી જોઈએ.
આ પણ વાંચો : ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે અસરકારક, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો