ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40 મજૂરો ફસાયા, બચાવ માટે SDRFની ટીમ પહોંચી

ઉત્તરાખંડના એડીજી એપી અંશુમને, આ ઘટનાને લઈને કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ ફોર્સની સાથે સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ ટીમ સુરંગની અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40 મજૂરો ફસાયા, બચાવ માટે SDRFની ટીમ પહોંચી
| Updated on: Nov 12, 2023 | 4:02 PM

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 40 જેટલા મજૂરો ફસાયા છે. ટનલમાં ભૂસ્ખલન થવાને કારણે, મજૂરો ફસાયા હોવાની ઘટના બની છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી એક ટનલ પણ બનાવવામાં આવી રહી છે. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

નિર્માણાધીન ટનલમાં થયેલ ભૂસ્ખલન અંગે મળતી માહિતી મુજબ, ટનલની અંદર મજૂરો કામ કરી રહ્યા હતા. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કામદારોને બચાવવાના કામને પ્રાથમિકતા આપવામાં આવી રહ્યી છે. SDRF અને સંબંધિત વિભાગના પ્રયાસોથી ટનલમાં કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે સ્થાનિક પોલીસની સાથે પાંચ 108 એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવામાં આવી છે.


ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર, એપી અંશુમને કહ્યું કે હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ ફોર્સની સાથેસાથે બચાવ અને રાહત કામગીરી માટે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. આ અકસ્માત રવિવારે સવારે 5:00 કલાકની આસપાસ થયો હતો. નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું. જ્યારે ભૂસ્ખલન થયું તે સમયે ત્યાં ઘણા મજૂરો કામ કરતા હોવાના અહેવાલ છે.

ટનલમાં ફસાયેલા તમામ મજૂરો સુરક્ષિત

ટનલમાં ભૂસ્ખલન થયું હોવાની ઘટનાની માહિતી મળતા જ, ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને બચાવ કામગીરીની કમાન સંભાળી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ટનલમાં કામ કરતા મજૂરો માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. ટનલની અંદર વધારાની ઓક્સિજન પાઇપ પણ પહોંચાડવામાં આવી છે. તમામ કામદારો ટનલની અંદર સુરક્ષિત છે. અર્પણ યદુવંશીએ કહ્યું કે, ટૂંક સમયમાં ટનલની અંદરથી કાટમાળ હટાવી લેવામાં આવશે.

Published On - 11:54 am, Sun, 12 November 23