જમ્મુ-કાશ્મીરની (Jammu Kashmir) શોપિયા પોલીસે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, શોપિયાંમાં લશ્કરનો સક્રિય આતંકવાદી આદિલ ગની ડારની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, તેની શોપિયાંના મોહંદપોરાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું કે, આતંકવાદી પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ભારતીય સેના આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચલાવી રહી છે.
ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે અને આ ઓપરેશન અંતર્ગત સેનાએ ગુરુવારે બારામુલામાંથી લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી આપતા પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એક આતંકી ફરાર છે, જેની શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સેનાએ સર્ચ પાર્ટી પર હુમલો કરનાર એક આતંકીને પણ ઠાર કર્યો હતો. આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલમાં મોત થયું હતું.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ નિસાર અહેમદ ભટ્ટ છે. જે સ્થાનિક સ્તરે લશ્કરની આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો. તે જ સમયે ઉસ્માન નામનો પાકિસ્તાની નાગરિક ભાગી ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની યજમાની કરી હતી. ભારતે UNSC પેનલને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે.
Jammu and Kashmir | Adil Gani Dar, an active terrorist associated with the proscribed terrorist organisation LeT, has been arrested from Mohandpora village of Shopian. Arms and ammunition recovered: Shopian Police pic.twitter.com/98IiaHX4vA
— ANI (@ANI) October 30, 2022
મુંબઈમાં યુએનએસસીની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારી સફી રિઝવીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 2018ના મધ્યમાં 600 આતંકવાદી કેમ્પ હતા જે ઘટીને 150 થઈ ગયા. આ પછી 2021થી સપ્ટેમ્બર 2022 સુધીમાં આતંકવાદી ઠેકાણાઓની સંખ્યા ઝડપથી વધીને 225 થઈ ગઈ છે. તાજેતરમાં FATFએ પાકિસ્તાનને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા, ટેરર ફંડિંગ જેવા આરોપોમાંથી મુક્ત કર્યા હતા અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી મુક્ત કર્યું હતું. ભારતે યુએન પેનલને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રએ આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.