
Himachal News: હિમાચલમાં વરસાદે છેલ્લા કેટલાય દિવસોથી તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ આ વખતે 13 થી 16 ઓગસ્ટ વચ્ચે આવી ઘટનાઓ વધુ જોવા મળી છે.
હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે પૂજ્ય મોરારીબાપુએ લોકો માટે સહાયની જાહેરાત કરી છે
તાજેતરના અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે. અને એને લીધે 60 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. અને પ્રત્યેક મૃતકના પરિજનોને 15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.
હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે. અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતારા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, 24 જૂને ચોમાસાની શરૂઆતથી હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં 338 લોકોના મોત થયા છે અને 38 લોકો ગુમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 338 મૃતકોમાંથી 221 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. ઈમરજન્સી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11,600 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે અને લગભગ 560 રસ્તાઓ હજુ પણ અવરોધિત છે. તે જ સમયે, 253 ટ્રાન્સફોર્મર અને 107 પાણી પુરવઠા યોજનાઓ અવરોધિત છે.