
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સોમવારે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ ઉપરાંત તે જ દિવસે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ છે. આ દરમિયાન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સેટેલાઇટ ફોટોમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નવિનીકરણ પણ દેખાઈ રહ્યું છે.
ભારત પાસે હાલમાં અવકાશમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝોલ્યુશન એક મીટર કરતા ઓછું છે. હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરના ફોટોગ્રાફ્સ લેવાનું કામ હાથ ધર્યું છે.
ISRO દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલું શ્રી રામ મંદિરનું સ્થળ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભારતીય રિમોટ સેન્સિંગ શ્રેણીના ઉપગ્રહોનો ઉપયોગ કરીને તેનું વિગતવાર દૃશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ સ્વદેશી ઉપગ્રહનો ઉપયોગ કરીને અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે.
તમને જણાવી દઈએ કે મંદિરના નિર્માણના અન્ય તબક્કાઓમાં પણ ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અયોધ્યાના આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થળની ઓળખ કરવાનો હતો. મંદિરના નિર્માણ દરમિયાન ભગવાન રામના ચોક્કસ સ્થાનની ઓળખ કરવાની જવાબદારી પણ ઈસરોને સોંપવામાં આવી હતી. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે ભગવાન રામની મૂર્તિ 3X 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાની માન્યતા છે.
સોમવારે અયોધ્યાના શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમ માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં વીવીઆઈપી અયોધ્યા પહોંચી રહ્યા છે. પીએમ મોદી રામ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે.