
દેશનું સૌથી મોટા રેસક્યુ ઓપરેશન આજે તેના અંતિમ પડાવમાં પહોંચી ગયુ છે અને આખરે એ ઘડી આવી ગઈ છે જેની છેલ્લા 17 દિવસોથી રાહ જોવાઈ રહી હતી. બસ હવે થોડી કલાકોની અંદર જ એ મંગળ ઘડી આવી પહોંચશે જ્યારે તમામ શ્રમિકો સુરંગમાંથી બહાર આવશે. છેલ્લા 17 દિવસથી ઉત્તરકાશીની સિલક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારો માનસિક અને શારીરિક લડાઈ લડી રહ્યા છે. તેમને હરપલ એ ફફડાટ, ડર સતાવતો હશે કે ક્યાંક તેઓ એ કાટમાળમાં દટાઈને મૃત્યુ તો નહીં પામે. જો કે આજે એ તમામ હતાશા, એ તમામ ડર, ફફડાટ, દુ:ખ, દર્દ, પીડાનો અંત આવશે.
17 દિવસથી જિંદગી સામે ઝઝુમી રહેલા એ શ્રમિકો બહાર આવશે. હરપલ મોત સામે ઝઝુમી રહેલા આ કામદારોની માનસિક સ્થિતિ શું હશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. સતત અનિશ્ચિતતા અને રેસક્યુ ઓપરેશનમાં આવી રહેલી અડચણોને કારણે આ શ્રમિકો સતત એ ફફડાટમાં હતા કે તેઓ જીવિત બહાર આવશે કે નહીં!
સમગ્ર દેશ જ્યારે દિવાળી ઉજવી રહ્યો હતો ત્યારે આ શ્રમિક ભાઈઓ જિંદગી સામે ઝઝુમી રહ્યા હતા. સમગ્ર દેશમાં જ્યારે વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત માટે યજ્ઞ હોમ હવન થઈ રહ્યા હતા ત્યારે આ શ્રમિક ભાઈઓ ટનલની અંદર ફસાયેલા હતા. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ માત્ર મમરા, સુકામેવા અને માત્ર થોડા પાણી પર સર્વાઈવ કરી રહ્યા હતા. 12 નવેમ્બરે તેઓ ટનલમાં ફસાયા તેના 8 દિવસ બાદ 21 નવેમ્બરથી તેમના સુધી સંપૂર્ણ મીલ જેને કહી શકાય તેવુ પુરુ જમવાનુ તેમના સુધી પહોંચ્યુ હતુ.
ઉત્તર કાશી જિલ્લા મુખ્યાલયથી નજીક 30 કિલોમીટર દૂર સિલક્યારા સુરંગ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ચારધામ ઓલ વેધર સડક (દરેક મૈસમમાં પરિવહન માટે ખુલ્લો રહેનારો માર્ગ) પરિયોજનાનો હિસ્સો છે. બ્રહ્મખાલ-યમનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બની રહેલી સુરંગ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે સુરંગનો એક હિસ્સો નીચે આવ્યો અને તેમા સુરંગની અંદર રહેલા શ્રમિકો અંદર જ ફસાઈ ગયા. તેમને બહાર લાવવા માટે છેલ્લા 17 દિવસથી રેસ્ક્યુ અભિયાન શરૂ છે. જેમા આજે આશાનું કિરણ સામે આવ્યુ છે.
શ્રમિકો સુરંગમાં 60 મીટરના અંતરે ફસાયેલા છે. ઓગર મશીનથી 48 મીટર સુધીની ડ્રિલિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ મશીન સુરંગમાં ફસાઈ ગયુ અને તેને કાપીને બહાર તો કાઢી લેવાયુ પરંતુ ત્યારબાદ ઓગર મશીન કોઈ કામનું ન રહ્યુ. ત્યારૂબાદ મેન્યુઅલ ડ્રિલિંગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. જેમા બસ હવે 2 મીટરનું અંતર બાકી રહ્યુ છે. મેન્યુઅલ હોરિઝોન્ટલ ડ્રિલીંગ માટે બે પ્રાઈવેટ કંપનીની ટીમોને પણ લગાવવામાં આવી છે. એક ટીમમાં પાંચ એક્સપર્ટ છે. જ્યારે બીજી ટીમમાં 7 એક્સપર્ટ્સ છે. આ 12 સભ્યોને અનેક ટીમો વચ્ચે વહેંચવામાં આવ્યા છે. આ ટીમો બાકી રહેલો કાટમાળ બહાર કાઢવામાં લાગેલા છે. હાલ સુધીમાં આ કાટમાળ કાઢી નાખવામાં આવ્યો છે અને 800 mm ના વ્યાસનો પાઈપ સુરંગની અંદર નાખવામાં આવ્યો છે. NDRFની ટીમ પણ હાલ સુરંગની અંદર પહોંચી ચુકી છે. આ જ પાઈપના સહારેથી શ્રમિકોને બહાર લાવવામાં આવનાર છે.
આ તમામ 41 શ્રમિકો બસ હવે થોડા કલાકોમાં જ બહાર આવશે તેવી આશા સમગ્ર દેશ સેવી રહ્યો છે. છેલ્લા 17 દિવસ એ શ્રમિક ભાઈઓ માટે કેવા રહ્યા તે માત્ર તે જ જણાવી શકે. એ દુ:ખ, એ પીડાને કદાચ શબ્દોમાં વર્ણવી પણ ન શકાય. દેશના 8 રાજ્યોના 41 શ્રમિકો આ સુરંગમાં ફસાયેલા છે. જેમા ઉત્તરાખંડના 2, અસમના 2, હિમાચલ પ્રદેશના 1, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિસાના 5, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3 શ્રમિકો સામેલ છે.
દેશનો સૌથી મોટો તહેવાર આપણે ત્યાં દિવાળી છે, આ દિવાળી જેવો તહેવાર આ શ્રમિકોએ સુરંગની અંદર પસાર કર્યો. દિવાળી હોય, છઠ્ઠ પર્વ હોય કે વર્લ્ડ કપ હોય, સમગ્ર દેશ જ્યારે આ તહેવારોમાં વ્યસ્ત હતો ત્યારે આ શ્રમિકો બે જંગ લડી રહ્યા હતા. એક પોતાને જીવિત રાખવાની જંગ અને બીજી તેમના મન મસ્તિષ્કમાં ચાલી રહેલા હતાશા, ફફડાટની જંગ..
આ સમગ્ર ઓપરેશન દરમિયાન એવા પણ દિવસો આવ્યા જ્યારે આ શ્રમિકોના પરિવારો હિંમત હારી ગયા અને તેઓ આશા ખોઈ બેઠા કે હવે તેમની સ્વજનને ફરી મળી શકશે. જો કે આ નિરાશા વચ્ચે આશાનું કિરણ લઈને સુરંગની અંદરની એ તસ્વીર. જેમા શ્રમિકો સુરંગની અંદર સલામત હોવાની પરિવારજનોને ખાતરી થઈ. શ્રમિકોને અંદર સેલફોન પણ પહોંચાડવામાં આવ્યા.
જો કે નેટવર્કની સમસ્યા સતત બાધા બનતી રહી. આ શ્રમિકોનું માનસિક સ્વાસ્થ્ય સારુ રહે, તેમનો ટાઈમ પાસ થાય તેના માટે તેમને લુડો, સાપસીડી જેવી રમતો પણ પહોંચાડવામાં આવી.સરકાર દ્વારા આ શ્રમિકોને જીવિત રહે અને સલામત બહાર આવે તેના માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા.
આ તમામ શ્રમિક ભાઈઓના પરિુવાર માટે કદાચ આજે જ સૌથી મોટી દિવાળી હશે. જો દિવાળીથી મોટો કોઈ ઉત્સવ હશે તો એ આ તમામ પરિવારો માટે આ શ્રમિકો બહાર આવશે એ ઘડી હશે. શ્રમિકોના પરિવારજનોને આજે એક આશાનું કિરણ દેખાયુ છે.
સુરંગની સામે 41 એમ્બ્યુલન્સ સાથે મેડિકલની તમામ ટીમ તમામ ડૉક્ટર સાથે સજ્જ છે અને જેવા શ્રમિકો બહાર આવશે તો તેમને પ્રોટોકોલ મુજબ જ સીધા એમ્બ્યુલન્સમાં બેસાડી લઈ જવામાં આવશે.
આ શ્રમિકોના પરિવારજનો પણ હાલ ઉત્તર કાશી પહોંચી ચુક્યા છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ ઘડી આવે અને તેઓ તેમના વ્હાલસોયાને ગળે લગાડી લે. આ શ્રમિકો બહાર આવ્યા બાદ તમામને ચિનુક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી એઈમ્સમાં લઈ જવામાં આવનાર છે. જેના માટે ચિન્યાલીસૌર એરસ્ટ્રીપ પર તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
Published On - 6:31 pm, Tue, 28 November 23