Rahul Gandhi Networth: રાહુલ ગાંધી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો છે. 19 જૂનને વર્ષ 1970માં જન્મેલા રાહુલ ગાંધી આજે 53 વર્ષના થઈ ગયા છે. દરમિયાન, ત્રણ વખત સંસદ સભ્ય બની ચૂકેલા અને તાજેતરમાં સભ્યપદ ગુમાવનાર રાહુલ ગાંધીની મિલકતમાં તેમની પાસે પોતાનું ઘર પણ નથી. ખેતીની જમીન અને પોસ્ટ ઓફિસ વગેરેમાં માત્ર થોડું રોકાણ છે બસ એજ. ત્યારે ચાલો જાણીએ કે રાહુલ ગાંધીની નેટ વર્થ કેટલી છે અને હાલ તેમનો ઈનકમ ઓફ સોર્સ શું છે.
રાહુલ ગાંધી દર વર્ષે લગભગ 1 કરોડ રૂપિયાની આવક પર આવકવેરો ચૂકવે છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન તેણે આપેલી એફિડેવિટ મુજબ, તેમણે છેલ્લાં સતત 5 વર્ષથી લગભગ 1 કરોડ રૂપિયાની આવક પર આવકવેરો ભર્યો હતો.
રાહુલ ગાંધીના એફિડેવિટ મુજબ તેમની સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા છે, જ્યારે તેમના પર લગભગ 72 લાખ રૂપિયાની જવાબદારી પણ છે. રાહુલ ગાંધીનું દિલ્હીના મહેરૌલીમાં એક ફાર્મ છે જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. ગુરુગ્રામમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ઓફિસની જગ્યા પણ છે. તેની કિંમત 8.75 કરોડ રૂપિયા છે. એક રીતે, તેમની પાસે ઘર નથી, પરંતુ દુકાન (વ્યાપારી જગ્યા) છે.
રાહુલ ગાંધીના 3 ખાતાઓમાં લગભગ 18 લાખ રૂપિયા છે. તેણે બોન્ડ-ડિબેન્ચર અને શેર્સમાં કુલ રૂ. 5 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે રાહુલ ગાંધીએ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં લગભગ રૂ. 40 લાખનું રોકાણ કર્યું છે અને તેમની પાસે રૂ. 2.91 લાખની જ્વેલરી છે. રાહુલ ગાંધી પાસે પોતાનું કોઈ અંગત વાહન પણ નથી.
રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી આઉટગોઇંગ સાંસદ છે. આ પહેલા તેઓ બે વખત ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પરથી ચૂંટણી જીતીને સાંસદ બની ચૂક્યા છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ તેમને અમેઠીથી ચૂંટણીમાં હરાવ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત જોડો યાત્રાની સફળતાથી કોંગ્રેસ ખૂબ જ ઉત્સાહિત છે. પાર્ટીની યુવા પાંખ યૂથ કોંગ્રેસે 19 જૂને રાહુલ ગાંધીના જન્મદિવસને ‘ભારત જોડો યાત્રા’ની યાદ અપાવવાનું નક્કી કર્યું છે. આ અંગે માહિતી આપતાં યુથ કોંગ્રેસના પ્રમુખ બી.વી.શ્રીનિવાસે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના જન્મદિવસે એક તરફ યુથ કોંગ્રેસ દિલ્હીમાં તેના હેડ ક્વાર્ટરમાં એક પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી છે, તો બીજી તરફ દેશભરમાં ‘ભારત જોડો યાત્રા’નું આયોજન કરવામાં આવશે. તે દિવસે પાંચ કિલોમીટરની સાંકેતિક વૉકિંગ ટુર કરવામાં આવશે.