Amarnath Yatra 2023: અમરનાથ યાત્રાના ભક્તોને નકલી રજીસ્ટ્રેશન સ્લિપ આપીને ઠગીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રિકોને નકલી સ્લિપ વેચવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જે સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે આમાંથી એક આરોપી દિલ્હીનો રહેવાસી છે જ્યારે બે તેના સહયોગી છે. તેમણે ભેગા થઈને આ રીતે ઠગીનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો અને હવે યાત્રિકોને ખોટી સ્લિપ આપી પૈસા પડાવી લેતા હતા.
પોલીસે આ અંગે જણાવ્યું કે શુક્રવારે જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં તીર્થયાત્રીઓ પાસેથી 400 થી વધુ નકલી રજિસ્ટ્રેશન સ્લિપ મળી આવી હતી. ત્યારે આ મામલાની જાણ થતાની સાથે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ અંગેના કેસની માહિતી આપતા જમ્મુના SSP ચંદન કોહલીએ કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીનો એક વ્યક્તિ નકલી રજિસ્ટ્રેશન સ્લિપ તૈયાર કરવાનું રેકેટ ચલાવી રહ્યો હતો. આ પછી જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે દિલ્હીમાં દરોડા પાડીને શાહદરાના પશ્ચિમમાં રોહતાસ નગરના રહેવાસી હરેન્દ્ર વર્મા નામના યુવકની ધરપકડ કરી હતી.
બાદમાં વર્માના બે અન્ય સહયોગી દલીપ પ્રજાપતિ અને વિનોદ કુમાર નામક યુવકોલની પણ ધરપકડ કરવામાં આવી હતી. એસએસપીએ કહ્યું કે મુખ્ય આરોપી નકલી રજિસ્ટ્રેશન સ્લિપ તૈયાર કરતી હતી, જ્યારે તેનો સહયોગી અમરનાથ મુસાફરો માટે બસ સેવા અને મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં સામેલ હતો. દરોડા દરમિયાન કોમ્પ્યુટર અને પ્રિન્ટર મળી આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
બાબા બર્ફાનીની યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ છે, જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો નોંધણી કરાવી રહ્યા છે. યાત્રિકોની ભારે ભીડ જોવા મળે છે. જેના કારણે યાત્રાળુઓની સ્થળ પર જ નોંધણી કરવામાં આવી રહી છે.
ગઈકાલે પ્રથમ સમૂહે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ વર્ષે 62 દિવસની યાત્રા યોજાઈ રહી છે. અમરનાથ યાત્રા માટે ઘણી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો દરેક જગ્યાએ તૈનાત છે.