ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) એ તેની સૌથી મોટી કામગીરીમાંની એક, આજે બેંગલુરુ (Bengaluru) સ્થિત ચાઈનીઝ ટેલિકોમ કંપની Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પાસેથી રૂ. 5,551.27 કરોડ જપ્ત કર્યા હતા. ED દ્વારા મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ આ જપ્તી હાથ ઘરવામાં આવી હતી. Xiaomi, જે દેશની ટોચની મોબાઇલ ફોન બ્રાન્ડ્સમાંની એક છે, તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 34,000 કરોડ છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999ની જોગવાઈઓ હેઠળ Xiaomiના ચાર બેંક ખાતામાંથી નાણાં જપ્ત કરવામાં આવ્યા છે. ED સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ પહેલા જ નાણાંનો મોટો હિસ્સો ચીનમાં તેની ગ્રુપ કંપનીઓને મોકલી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, “બેલેન્સની રકમ HSBC, Citi Bank, IDBI અને ડોઇશ બેંકમાં તેના ચાર બેંક ખાતાઓમાં પડેલી હતી. આ રોયલ્ટીની રકમ તેના ચાઇનીઝ પેરેન્ટ ગ્રૂપની સૂચનાના આધારે મોકલવામાં આવી છે. જયારે એક નિશ્ચિત રકમ વધુ બે અસંબંધિત યુએસ-આધારિત સંસ્થાઓને પણ મોકલવામાં આવી છે.” આવું સૂત્રોએ જણાવ્યું હતું.
શાઓમી કંપની ભારતમાં 2014થી કાર્યરત છે અને કરાર મુજબ, તે ભારતમાં ઉત્પાદકો પાસેથી સંપૂર્ણ રીતે ઉત્પાદિત હેન્ડસેટ ખરીદે છે. EDએ જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ ઉત્પાદકો Xiaomi ચાઇના દ્વારા પૂરા પાડવામાં આવેલ વિશિષ્ટતાઓ અનુસાર કાચો માલ સપ્લાય કરવા અને મોબાઇલ સેટના ઉત્પાદન માટે ચાઇના સ્થિત Xiaomiની જૂથ સંસ્થાઓ સાથે સીધી વ્યવસ્થા ધરાવે છે.
“Xiaomi ઇન્ડિયાએ આ કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને કોઈપણ તકનીકી ઇનપુટ અથવા સોફ્ટવેર-સંબંધિત સહાય પૂરી પાડી નથી. રસપ્રદ વાત એ છે કે, Xiaomi India એ ત્રણ વિદેશી-આધારિત સંસ્થાઓને નાણાં ટ્રાન્સફર કર્યા છે, જેમાંથી તેઓએ કોઈપણ પ્રકારની સેવાનો લાભ લીધો નથી,” EDના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
શાઓમી કંપનીએ, કોઈપણ અધિકૃતતા વિના, નાણાં મોકલ્યા છે – જેથી FEMAની કલમ 4નું ઉલ્લંઘન થયું છે. શાઓમી કંપનીએ કથિત રીતે વિદેશમાં નાણાં મોકલતી વખતે બેંકોને ગેરમાર્ગે દોરનારી માહિતી પણ આપી હતી. Xiaomi India એ ચીન સ્થિત Xiaomi ગ્રુપની સંપૂર્ણ માલિકીની કંપની છે. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે મોકલવામાં આવેલા નાણાંના સંબંધમાં EDએ આ વર્ષે ફેબ્રુઆરીમાં Xiaomi વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.
આ મામલો છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના વિદેશી હૂંડિયામણના વ્યવહારો સાથે સંબંધિત છે. Xiaomiના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમના તરફથી કાયદાનું પાલન કરવામાં આવે છે. તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.