Agra: કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે આગ્રામાં. ભગવાનની નાની મૂર્તિમાં પૂજારીને કેટલી આસ્થા છે તેની અનોખી ઘટના સામે આવી છે. આગ્રામાં એક પુજારી લડ્ડુ ગોપાલની (Laddu Gopal) હાથ તુટેલી મૂર્તિ લઈને રડતા રડતા હોસ્પિટલ પહોંચ્યા હતા. અને હોસ્પિટલમાં ભગવાનના નામે કેસ (God hospital case) કાઢી તેમની સારવાર કરવા કહ્યું ત્યારે બે ઘડી માટે તો ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ ચોંકી ગયો.
સમગ્ર બનાવની વાત કરીએ તો, પુજારી લેખસિંહે 25-30 વર્ષ પહેલા શાહગંજના ખાસપુરા વિસ્તારના પથવારી મંદિરમાં લડ્ડુ ગોપાલનું સ્થાપન કર્યુ હતું. અને પુજારી બાળક તરીકે લડ્ડુ ગોપાલની આ મૂર્તિને લાડ લડાવતા. થોડા દિવસ પહેલા પુજારી આ મૂર્તીને સ્નાન કરાવતા હતા તે સમયે મૂર્તીનો હાથ તુટી ગયો હતો. કોઈ સ્વજનનો હાથ તૂટી ગયો હોય તેમ પૂજારી આકુળ વ્યાકુળ થઈ ગયા અને થોડીવાર માટે બેભાન થઈ ગયા.
ભાનમાં આવતા જ તેઓ રડમસ ચહેરે પહોંચી ગયા હોસ્પિટલ. તેમણે ડૉક્ટરને વિનંતી કરી કે લડ્ડુ ગોપાલની આ મૂર્તિને પ્લાસ્ટર કરી આપવામાં આવે. હોસ્પિટલના સ્ટાફે પુજારીની આસ્થાનું માન જાળવી ભગવાનના નામે કેસ કાઢયો હતો. અને મૂર્તિને પ્લાસ્ટર લગાવી પુજારીની આસ્થાને સન્માન આપ્યું હતુ.
ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન હોય છે. પૂજારીની આવી શ્રદ્ધા જોઈ ન માત્ર ભક્તો પરંતુ હોસ્પિટલના સ્ટાફને પણ કંઈંક આવો જ અનુભવ થયો. પૂજારીની આવી શ્રદ્ધાની આગ્રામાં ચર્ચા થવા લાગી. અને હિંદુ સંગઠનના કાર્યકર્તા પણ હોસ્પિટલ પહોંચ્યા. અને પ્લાસ્ટર બાદ લડ્ડુ ગોપાલની મૂર્તિને ફરી મંદિરમાં વિરાજમાન કરવામાં આવી.
આ પણ વાંચો: Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ