Delhi Lockdown: લોકડાઉન લાગતાજ શ્રમિકોનું પલાયન શરૂ, કેજરીવાલની અપીલ બેઅસર, સ્ટેશનો પર ભીડ બેકાબુ

|

Apr 20, 2021 | 9:33 AM

Delhi Lockdown: દિલ્લીમાં આજથી લોકડાઉન લાગી ગયું છે. આગામી 6 દિવસ સુધી દિલ્લીમાં લોકડાઉન રહેશે. એવામાં ઠીક એક વર્ષ પહેલા દેશની રાજધાનીમાં શ્રમિકોના જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે દ્રશ્યો ફરીથી સર્જાયા છે.

Delhi Lockdown: દિલ્લીમાં આજથી લોકડાઉન લાગી ગયું છે. આગામી 6 દિવસ સુધી દિલ્લીમાં લોકડાઉન (Delhi Lockdown) રહેશે. એવામાં ઠીક એક વર્ષ પહેલા દેશની રાજધાનીમાં શ્રમિકોના જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે દ્રશ્યો ફરીથી સર્જાયા છે. કોઈએ કલ્પના નહોતી કરી કે આ દિવસો પણ ફરીથી જોવા પડશે, પરંતુ કોરોનાએ એવા મજબૂર કરી દીધા છે કે હવે લૉકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ સૂજતો નથી.

દિલ્લીમાં લૉકડાઉન લાગતા જ શ્રમિકોએ વતનની વાટ પકડી છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મોડી રાતથી જ શ્રમિકો વતન જવા માટે ઉમટી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી મજૂરીકામ કરવા આવેલા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. સીએમ કેજરીવાલે ખૂબ અપીલ કરી કે શ્રમિકો સ્થળાંતર ન કરે પરંતુ શ્રમિકો પર તેની કોઈ અસર જોવા નથી મળી. શ્રમિકોની આ ભીડ સંક્રમણને વધુ વેગ આપશે તેનો ચિતાર આપી રહી છે.

દિલ્લીમાં કોરોના વાઇરસના રોજના 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દિલ્લીમાં બેડ્સથી લઇને ઓક્સિજન અને ઇંજેક્શનની અછત ઉભી થવા લાગી છે. ત્યારે સ્થિતિને કાબુમાં લેવા દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 6 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.

ઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો સમગ્ર સપ્તાહ દરમિયાન રહેશે.. તો આ સાથે કેજરીવાલે અપીલ કરી છે કે લોકો પલાયન ન કરે.

દિલ્લીમાં લૉકડાઉનની માર્ગદર્શિકા પર નજર કરીએ તો

દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે
તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે
તમામ પ્રકારના જાહેર, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ રહેશે
જેઓ હોસ્પિટલ કે મેડિકલ સ્ટોર્સમાં જાય છે, તેમને છૂટ
જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેમને લોકડાઉનમાં મુક્તિ મળશે
રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાઓને પણ છૂટ રહેશે
દિલ્હીમાં બેંક અને એટીએમ અને પેટ્રોલ પંપ ખુલ્લાં રહેશે
જે લગ્ન કાર્યક્રમ પહેલેથી નક્કી છે એને છૂટ, પણ માત્ર 50થી ઓછા લોકોને જ મંજૂરી
લગ્નો માટે ઇ-પાસ લેવો પડશે
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શ્રમિકો અને અન્ય લોકોને અપીલ કરી કે તેઓ દિલ્લીમાંથી પોતાના વતનમાં સ્થળાંતર ન કરે. પરંતુ આ અપીલની કોઇ અસર ન થઇ.. જેવી કેજરીવાલે લોકડાઉનની જાહેરાત કરી કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનોએ મુસાફરોની મોટી ભીડ જમા થવા લાગી.

રેલવે સ્ટેશનોએ લાંબી કતારો જોવા મળી. લોકો પડાપડી ન કરે તે માટે પોલીસ પણ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનોએ ગોઠવવી પડી.આમ દિલ્લીમાં કોરોના સામેની જંગ જીતવા માટે 6 દિવસના લૉકડાઉનની તો જાહેરાત થઈ ગઈ છે ત્યારે આ લૉકડાઉનની કેવી અસર જોવા મળશે એતો આવનારા દિવસોમાં જ ખબર પડી જશે.

Next Video