Chamoli Disaster: ભારતીય વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યું ચમોલી, બચાવ કામગીરી ઝડપી બનશે

Chamoli Disaster : ચિનૂક હેલિકોપ્ટર ભારે માલસામાન લઈ જવામાં સક્ષમ છે. એક ડિગિંગ મશીનને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચામોલી લઈ જવામાં આવ્યું છે.

Chamoli Disaster: ભારતીય વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યું ચમોલી, બચાવ કામગીરી ઝડપી બનશે
| Edited By: | Updated on: Feb 11, 2021 | 9:27 PM

Chamoli Disaster: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દુર્ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 35 મૃતદેહ મળી આવ્યાં છે અને હજી પણ ઘણા લોકો ગુમ છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યું છે.

 

સેંકડો કિલો વજન લઈ પહોંચ્યું ચિનૂક

ચિનૂક હેલિકોપ્ટર ભારે માલસામાન લઈ જવામાં સક્ષમ છે. એક ડિગિંગ મશીનને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચામોલી લઈ જવામાં આવ્યું છે. ચમોલીમાં રાહત અને બચાવ કામગીરી કરી રહેલા NDRF અને SDRF માટે ચિનૂક હેલિકોપ્ટર 1,400 કિલો વજન અને 14 લોકો સાથે ચમોલી પહોંચ્યું હતું. આ ઉપરાંત ચિનૂક હેલિકોપ્ટર BROના 5 અધિકારીઓ અને 3 ટન વજન લઈ ચમોલી પહોંચ્યું હતું.

 

35 મૃતદેહ મળ્યા, 169 લોકો ગાયબ

ચમોલીમાં દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં જુદા જુદા સ્થળેથી અત્યાર સુધીમાં 35 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય 169 અન્ય લોકો ગાયબ છે, જેમાં 25થી 35 લોકો તપોવન ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે ગુરુવારે ચમોલીમાં ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ફરી એક વખત અફરા તફરી મચી ગઈ હતી. અચાનક જળસ્તર વધવાને કારણે ટનલમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું હતું. શ્રમિકોની શોધખોળમાં રોકાયેલ ટીમને રાહત અને બચાવ કાર્ય બંધ કરી તપોવન ટનલમાંથી તાબડતોબ બહાર નીકળી જવું પડ્યું હતું.