વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પીએમ મોદીને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. તેની પાછળનું કારણ પાડોશી સાથે અંગત દુશ્મનાવટ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.
આ અંગે માહિતી આપતા કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે આરોપીએ પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો. ફોરેન્સિકની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અંગે તેમને ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ધમકી આપનાર વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં છે.
પીએમ મોદીની મુલાકાત વિશે માહિતી આપતા કે સેતુ રામને કહ્યું કે વડાપ્રધાન મોદીની કોચી મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સમગ્ર શહેરમાં 2060 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોરે 2 વાગ્યાથી ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન રોડ શો પણ કરશે.
વડાપ્રધાનના રોડ શોમાં 15,000 લોકો અને યુવામ-23 કાર્યક્રમમાં 20,000 લોકો આવવાની અપેક્ષા છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે યુવામ-23ના સહભાગીઓ માત્ર મોબાઈલ ફોન લાવી શકશે.
PM મોદી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવ્યું હતું. આ પત્ર બાદ જ કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
Published On - 1:48 pm, Sun, 23 April 23