વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અવિશ્વાસના પ્રસ્તાવ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સંસદમાં 2 કલાક 13 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ ઉપર શાબ્દિક ચાબખા માર્યા હતા. કોંગ્રેસની સરકારની ભૂલો ગણી ગણીને ગણાવી હતી. તો આજે વિશ્વમાં ભારતની સ્થિતિ, આર્થિક પ્રગતિ વગેરે મુદ્દે ચર્ચા કરી હતી.
મણિપુર કેસને લઈને લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સતત પ્રહારો કર્યા હતા. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે વિપક્ષનો ઈરાદો મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાનો નહોતો. જો ગૃહમંત્રી (અમિત શાહ)ની ચર્ચા પર વિપક્ષ સહમત થયા હોત, તો લાંબી ચર્ચા થઈ શકી હોત. જો કે, એક કલાકના ભાષણ પછી પીએમ મોદીએ મણિપુર હિંસા અંગે કંઈ ન કહ્યું, ત્યારબાદ વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો.
સૌથી મોટી વાત એ હતી કે અવિશ્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા લાવવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીએ સંસદમાં 05:08 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કર્યુંં હતુ અને વિપક્ષ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ 06:40 એ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.
સંસદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ઘણી વખત ખરાબ બોલવાના ઈરાદામાં પણ સત્ય બહાર આવી જાય છે. લંકા હનુમાન દ્વારા નથી બળી પરંતુ તે રાવણના અભિમાનથી બળી હતી. જનતા પણ ભગવાન રામનું સ્વરૂપ છે, તેથી જ 400માંથી 40 થયા છે. મોદીએ કહ્યું કે ક્યારેક કોંગ્રેસના નેતાઓના જન્મદિવસ પર વિમાનમાં કેક કાપવામાં આવતી હતી, પરંતુ હવે તે વિમાનમાં ગરીબો માટે રસી મોકલવામાં આવી રહી છે.
Published On - 7:29 pm, Thu, 10 August 23