નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે. એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની ગુરુવારે ભાજપમાં જોડાયા છે. અનિલ એન્ટોની કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વી મુરલીધરન, કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ અગાઉ કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના કન્વીનર હતા. બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ બાદ જાન્યુઆરીમાં અનિલ એન્ટોનીએ કોંગ્રેસ છોડી દીધી હતી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ભાજપના નેતાઓ પીયૂષ ગોયલ, વી મુરલીધરન અને પાર્ટીના કેરળ એકમના વડા કે સુરેન્દ્રને આજે એક ઔપચારિક કાર્યક્રમમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાનું તેમના પક્ષમાં સ્વાગત કર્યું. અનિલ એન્ટોનીના પિતા એકે એન્ટોની કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, જે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન અને કેરળના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે અનિલ એન્ટોનીનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે અનિલ એન્ટોની બહુઆયામી વ્યક્તિત્વ છે. તેમના વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ છે.
#WATCH | Congress leader & former Defence minister AK Antony’s son, Anil Antony joins BJP in Delhi pic.twitter.com/qJYBe40xuY
— ANI (@ANI) April 6, 2023
અનિલ એન્ટોનીએ તેમના ભાષણની શરૂઆત હિન્દીમાં કરી હતી. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન આગામી પચીસ વર્ષમાં દેશને વિકસિત દેશ બનાવવાનું છે. એક ભારતીય યુવા તરીકે, મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકીકરણના વડા પ્રધાનના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.
નોંધનીય છેકે ભાજપ હવે કેરળમાં પોતાના પક્ષને મજબૂત કરવાની તૈયારીમાં છે. અહીં કહેવું રહ્યું કે અનિલ એન્ટોનીના પિતા એ.કે.એન્ટોની કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા. આ ઉપરાંત તેઓ કેરળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એ.કે.એન્ટોનીનું નામ મોટા નેતાઓમાંનું એક રહ્યું છે. આ સાથે અહીં એ પણ નોંધનીય છેકે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થવાથી હવે કેરળમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી દેખાઇ રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રને પક્ષમાં ખેંચીને ભાજપને મોટો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.
Published On - 4:13 pm, Thu, 6 April 23