
રાજસ્થાનના જયપુરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના અભિજીત દીપકેને થપ્પડ મારી દેવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબએક અજાણ્યા યુવકે વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજીત પર હુમલો કર્યો હતો અને તેના પર થપ્પડોની ઝડી વરસાવી હતી. ત્યારબાદ અભિજીતના સમર્થકોએ તે યુવકને પકડવાની કોશિશ કરી પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
સોમવારે જયપુરમાં શહીદ સ્મારક ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે સ્થળ પર પહોંચ્યા. જ્યારે તેઓ પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે એક યુવકે તેમના પર હુમલો કર્યો, તેમને વારંવાર થપ્પડ મારી અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો. જોકે પાર્ટીના કાર્યકરોએ યુવકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો.
આ ઘટના બાદ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન, અભિજીતે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી. પોલીસ હવે આરોપી યુવકની શોધ કરી રહી છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો વતની 30 વર્ષીય અભિજીત દીપકે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને પોલિટિકલ કોમ્યુનિકેશન (Political Communication) નો બહોળો અનુભવ ધરાવે છે. તેણે મહારાષ્ટ્રના પુણેથી પત્રકારત્વ (Journalism) વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો, જ્યાં તેણે યુએસની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) વિષયમાં માસ્ટર ઓફ સાયન્સ (MS) ની ડિગ્રી મેળવી.
અભિજીત દીપકે વર્ષ 2020 થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ની કેન્દ્રીય સોશિયલ મીડિયા ટીમમાં સક્રિય રીતે કાર્યરત હતો. વર્ષ 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ (AAP) ની તરફેણમાં સોશિયલ મીડિયા પર જે મીમ્સ (Memes) અને ડિજિટલ પ્રચારનું પૂર આવ્યું હતું, તેની વ્યૂહરચના પાછળ અભિજીતનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જતા પહેલા તેણે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગમાં પણ મીડિયા અને કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી.
Published On - 5:12 pm, Mon, 15 June 26