
ડાયનામાઈટનો ઉપયોગ ગુનાહિત અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો મનુષ્ય અને માનવતા વિરુદ્ધ કરી રહ્યા છે. આજથી બરાબર 156 વર્ષ પહેલા ડાયનામાઈટ દુનિયાની સામે આવ્યો. તેની મદદથી અનેક મોટા અને સારા કામો આજે પણ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વ તેનો ઉપયોગ કરી રહ્યુ છે. આ શોધ કરનાર વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે 350 થી વધુ પેટન્ટ છે, પરંતુ તેને સૌથી વધુ પૈસા અને ખ્યાતિ આ એક શોધ માટે જ મળ્યા.
આ શોધને કારણે આલ્ફ્રેડ તેના ભાઈથી દૂર થઈ ગયા.જેનો પસ્તાવો તેમને આજીવન રહ્યો. તેના માટે તે પોતાની જાતને માફ પણ ન કરી શક્યા. કારણ કે તેના ભાઈને તે ખૂબ પ્રેમ કરતા હતા. નોબેલ પ્રાઈઝની શરૂઆતના મૂળમાં ક્યાંકને ક્યાંક તેના ભાઈનું મૃત્યુ પણ કારણભૂત છે.
આલ્ફ્રેડ મૂળ સ્વીડનના રહેવાસી હતા. તેમણે રશિયા અને અમેરિકામાં પણ અભ્યાસ કર્યો. સંશોધનમાં તેની રૂચિ એટલી હતી કે તેમનુ સંપૂર્ણ ધ્યાન તેમાં જ પરોવાઈ ગયુ અને આસપાસનો કોઈ ખ્યાલ ન રહ્યો. આલ્ફ્રેડે તેના જીવનમાં 355 શોધ પેટેન્ટ કરાવી હતી. તેનુ વિશ્લેષણ કરવામાં આવે તો આલ્ફ્રેડ 63 વર્ષ જીવ્યા, જેમાથી 25 વર્ષ જો તેમના અભ્યાસના બાદ કરી નાખીએ તો બાકી બચે 38 વર્ષ. મતલબ દર વર્ષે સરેરાશ 9.34 પેટન્ટ તેમણે તૈયાર કરી.
આલ્ફ્રેડને નવા નવા સંશોધનોમાં ભારે રૂચિ હતી. એ સમયે બન્યુ એવુ કે ડાયનામાઈટની શોધ થઈ ચુકી હતી. ઉત્પાદન પણ શરૂ થઈ ગયુ હતુ. ત્યારે જ એક દિવસ ફેક્ટરીમાં એ ડાયનામાઈટને કારણે વિસ્ફોટ થઈ ગયો. એ એટલો વિનાશક હતો કે સંપૂર્ણ ફેક્ટરી તેમા તબાહ થઈ ગઈ. બધુ જ બળીને રાખ થઈ ગયુ. ફેક્ટરીમાં કામ કરનારા શ્રમિકો કંઈ સમજે એ પહેલા તો તેમના શરીરના ચીંથડા ઉડી ગયા. ક્યુ અંગ કોનુ છે તે ઓળખી પણ ન શકાય એટલો વિનાશક એ વિસ્ફોટ હતો.
આ વિસ્ફોટ સમયે એ ફેક્ટરીમાં આલ્ફ્રેડના ભાઈ પણ ત્યાં હતા અને એ પણ વિસ્ફોટનો ભોગ બન્યા. તેમનુ પણ ત્યાં જ મોત થયુ. આ ઘટના બાદ આલ્ફ્રેડ અંદરથી ભયંકર રીતે તૂટી ગયા. આજીવન તેઓ આ ઘટનાના આઘાતમાંથી બહાર ન આવી શક્યા.
ડાયનામાઈટની શોધે આલ્ફ્રેડને ઘણી ખ્યાતિ, નામ પૈસા, આપ્યા પરંતુ લોકોએ તેને ડાયનામાઈટની શોધ માટે મૌતના સૌદાગરનું લેબલ પણ આપ્યુ. જેના કારણે તેઓ અંદરથી સાવ તૂટી ગયા. ભાઈના મોતનો આઘાત તો પહેલેથી હતો જ આથી તે શાંતિની શોધમાં લાગી ગયા અને વિશ્વના સૌથી મોટા શાંતિ પુરસ્કારની શરૂઆત થઈ. જેને લોકો નોબેલ પ્રાઈઝ તરીકે ઓળખે છે. તેમના પિતા મૂળ તો ઉદ્યોગસાહસિક હતા.
આલ્ફ્રેડ જ્યારે બહુ નાના હતા એ સમયે તેમના પિતાનો વેપાર ભાંગી પડ્યો. તેઓ પરિવાર સાથે રશિયા શિફ્ટ થઈ ગયા. ત્યાં પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી આલ્ફ્રેડને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે અમેરિકા મોકલવામાં આવ્યા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આલ્ફ્રેડ ફરી સ્વીડન આવી ગયા અને અહીં તેમના પિતાની એ જ ફેક્ટરીને તેમણે તેમનુ કાર્યસ્થળ બનાવ્યુ. જે છોડીને તેઓ રશિયા ગયા હતા. આલ્ફ્રેડના નાનાનું ઘર રશિયામાં હતુ.
આલ્ફ્રેડની ઉમર ઘણી નાની હતી અને તેઓ સતત સંશોધનમાં જ રચ્યા રહેતા હતા. આ દરમિયાન તેઓ પેરિસ ગયા. ત્યાં તેમની ભાઈબંધી સુબરેરો સાથે થઈ, જેમણે નાઈટ્રોગ્લિસરીનની શોધ 1847માં કરી હતી. આ પણ વિસ્ફોટક જ હતો અને એ જમાનામાં તેનો ઉપયોગ થતો હતો. ડાયનામાઈટ તેનાથી એક ડગલુ આગળ કહી શકાય. કારણ કે આલ્ફ્રેડે જ્યારે ડાયનામાઈટની શોધની શરૂઆત કરી હતી એ સમયે ઉંડે ઉંડે સુધી પણ તેનો કોઈ નકારાત્મક ઉપયોગનો ઈરાદો ન હતો.
તેમનો હેતુ ઉદ્યોગોને ઉપયોગી એક ટુલ આપવાનો હતો. તેઓ મોટા મોટા વિકાસના પ્રોજેક્ટના કામકાજને ઝડપી અને સરલ બનાવવા માગતા હતા. જે કામ મશીનો દ્વારા મહિનાઓ બાદ થતુ હતુ. તે ડાયનામાઈટની મદદથી ખૂબ જ ઓછા સમયમાં થઈ શકે. પરંતુ જ્યારે તેનો દુરુપયોગ શરૂ થયો ત્યારે આલ્ફ્રેડની તેની આ શોધ માટે જાહેરમાં પણ ટીકા થવા લાગી. તત્કાલિન અખબારોઓ તો તેને મોતના સૌદાગરનું લેબલ સુદ્ધા આપી દીધુ. એ બાદ તેમણે નક્કી કર્યુ કે તેઓ હવે શાંતિ માટે કામ કરશે.
1896 માં મૃત્યુ પહેલાં, આલ્ફ્રેડે તેની વસિયત લખી હતી. જેનો મોટો હિસ્સો એક ટ્રસ્ટમાં જવાનો હતો. પોતાની વસિયતમાં તેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ માટે કામ કરનારાઓને પુરસ્કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે એ જ નોબેલ પુરસ્કાર વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. હવે આ પુરસ્કારો અનેક શ્રેણીઓમાં આપવામાં આવે છે અને લોકો દર વર્ષે ઓક્ટોબર મહિનામાં રાહ જુએ છે કે આ વર્ષે કોને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે અને કોને ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ચિકિત્સા માટે નોબેલ પુરસ્કાર મળશે.
આ પણ વાંચો : ડીપ ફેક મામલે એક્શનમાં મોદી સરકાર, સોશિયલ મીડિયા કંપનીને અપાયુ અલ્ટીમેટમ, 15 જ દિવસમાં આવશે કાયદો
નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1900 માં કરવામાં આવી હતી અને આ પુરસ્કારો 1901 માં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર હવે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર માટે આપવામાં આવે છે. અર્થશાસ્ત્ર માટેનું નોબેલ સેન્ટ્રલ બેંક ઓફ સ્વીડન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, નોબેલ પ્રાઈઝની શરૂઆતથી અર્થશાસ્ત્ર માટે નોબેલ અપાતો ન હતો. તેનો પાછળથી ઉમેરો કરવામાં આવ્યો છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો