Uttarakhand : ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયા હતા. ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહને કારણે પુલ તૂટી ગયા છે. આ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ફસાયેલા છે. લોકોને બહાર કાઢવા માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મંગળવારે રાજ્યના વિવિધ ભાગોમાં સતત વરસાદને કારણે 34 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘર તૂટી પડ્યા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે. પુષ્કર સિંહ ધામીએ ઉધમ સિંહ નગરમાં પૂર પીડિતોને મળ્યા બાદ કહ્યું, “રાજ્યમાં આવેલી આ આફતમાં 34 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને જેમના મકાનો તૂટેલા છે તેમને 1 લાખ 9 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમને પશુધનનું નુકશાન થયું છે તેમને પણ મદદ કરવામાં આવશે.”
નૈનીતાલમાં 18 લોકોના મોત થયા
મુખ્યમંત્રીએ રાજ્યમાં 34 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર કુમાઉમાં સોમવારે પાંચ લોકોના મોત થયા હતા. મંગળવારે નૈનીતાલમાંથી 18, અલ્મોડામાંથી 3 અને ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
ભૂસ્ખલનને કારણે નૈનીતાલ તરફ જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજા દિવસે પણ નૈનીતાલ રાજ્યના બાકીના ભાગથી કપાઈ ગયું. નૈનીતાલના મોલ રોડ અને નૈની તળાવના કિનારે નૈના દેવી મંદિરમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભૂસ્ખલનને કારણે એક છાત્રાલયની બિલ્ડીંગને નુકસાન થયું હતું.
લોકોને રિસોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
કોસી નદીમાં પૂરને કારણે રામનગર-રાણીખેત રોડ પર આવેલા લેમન ટ્રી રિસોર્ટમાં પાણી ભરાયા હતા. આશરે 200 લોકો રિસોર્ટમાં ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નૈનીતાલમાં વીજળી, ટેલિકોમ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.
વાયુસેનાના હેલિકોપ્ટરથી બચાવકાર્ય
ભારતીય વાયુસેના (IAF) ના ત્રણ હેલિકોપ્ટર રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. CM પુષ્કર ધામીએ જણાવ્યું હતું કે તેમાંથી બેને નૈનીતાલ જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. ત્રીજું હેલિકોપ્ટર ગઢવાલ ક્ષેત્રમાં બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યું છે. IAFએ પંતનગરના સુંદરખલ ગામમાંથી 25 લોકોને બચાવ્યા.
નદીઓમાં ભારે પૂર
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે નૈનિતાલમાં 90 મીમી, હલ્દવાની 128 મીમી, કોશાયકુટોલી 86.6 મીમી, અલમોરા 216.6 મીમી, દ્વારહોટ 184 મીમી અને જગેશ્વર 176 મીમી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે રાજ્યની મોટાભાગની નદીઓમાં ભારે પૂર આવ્યાં છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, હરિદ્વારમાં ગંગાનું જળ સ્તર 293.90 મીટર સુધી પહોંચી ગયું છે, જે 294 મીટરના ખતરાના નિશાનથી એક ડિગ્રી નીચે છે. પિથોરાગઢમાં કાલી અને સરયુ નદીઓ અનુક્રમે 890 મીટર અને 453 મીટરના ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. ગોરી નદી 606.75 મીટરના ખતરાના નિશાનની નજીક વહી રહી છે.
આ પણ વાંચો : PM MODIએ કહ્યું, “ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નાગરિકોના મૃત્યુ થવાથી વ્યથિત છું, સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું”