મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ખતમ થતાની સાથે જ મુખ્ય ભૂમિકા પરથી પણ પડદો ઉંચકાયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) તેમની સરકારના “અસલી કલાકાર” ગણાવ્યા છે. સોમવારે તેમણે શિવસેનામાં બળવાનું સાચું કારણ પણ જણાવ્યું. જો કે, રાજ્યમાં વિભાગોની ફાળવણી બાકી છે અને સીએમ કહે છે કે તેના પર ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે. સોમવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં શિંદે સરકારને 164 વોટ મળ્યા હતા.
વિશ્વાસ મત જીત્યા પછી, તેમણે વિધાનસભાને કહ્યું, “વિધાન પરિષદની ચૂંટણીના દિવસે અને મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું… ત્યારે જ મેં પાછા નહી ફરવાનું નક્કી કર્યું હતું.” ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલની ચૂંટણીમાં, ભાજપે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો પોતાના નામે કરી હતી. જ્યારે કોંગ્રેસના ચંદ્રકાંત હંડોરેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન તેમણે આસામના ગુવાહાટી સ્થિત હોટલમાં વિતાવેલા દિવસોને પણ યાદ કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તમામ ધારાસભ્યો સૂતા હોય ત્યારે તેઓ અડધી રાત્રે હોટેલમાંથી નીકળી જતા હતા અને વહેલી સવારે પરત ફરતા હતા. તેમણે કહ્યું કે, ‘તેમની સરકારના અસલી કલાકાર દેવેન્દ્ર ફડણવીસ છે.’ શિંદેએ ગુરુવારે સીએમ તરીકે શપથ લીધા હતા. આ સાથે જ ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બની ગયા છે.
છેલ્લા પખવાડિયામાં મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો ઉલ્લેખ કરતા, નવા મુખ્ય પ્રધાને સોમવારે કહ્યું કે તેમને થોડો સમય જોઈએ છે જે પછી તેઓ અને ફડણવીસ કેબિનેટ પોર્ટફોલિયોની ફાળવણી અંગે ચર્ચા કરશે.
શિંદેના નેતૃત્વવાળી સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી. શિંદેએ બાદમાં પત્રકારોને કહ્યું, “હવે અમને યોગ્ય રીતે શ્વાસ લેવા દેવામાં આવે. તે અમારા માટે ખૂબ જ કપરો સમય હતો. હું અને દેવેન્દ્ર ફડણવીસ બેસીને કેબિનેટના પોર્ટફોલિયો અને તેમની ફાળવણી અંગે ચર્ચા કરીશું. અમે આ માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની સંમતિ પણ લઈશું.” શિંદેએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં અમે ઘણી ધમાલમાંથી પસાર થયા છીએ અને હવે અમારે પરિવાર સાથે વિતાવવા માટે થોડો સમય જોઈએ છે.” નોંધનીય છે કે, સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રીએ વેટ ઘટાડીને પેટ્રોલ – ડીઝલ સસ્તુ કરવાની જાહેરાત કરી હતી.