મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ની બહાર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હડતાળ કરી રહેલા કર્મચારીઓ (MSRTC Workers) દ્વારા ઘેરાવ કરવામાં આવતા ચપ્પલ ફેંકવા અને તેમના પર કથિત રીતે મારપીટ કરવાના મુદ્દે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ખુલીને સામે આવ્યા છે. સીએમ મમતા બેનર્જીએ શનિવારે સવારે ટ્વીટ કરીને શરદ પવારના ઘર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને સમર્થન આપીને આક્રમણખોરો સામે કડક કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. આ ઘટનાને લઈને ફરી ભાજપ પર નિશાન સાધતા વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, હું ભારતના સૌથી વરિષ્ઠ જાહેર વ્યક્તિઓમાંના એક શરદ પવારના નિવાસસ્થાન પર હુમલાની નિંદા કરું છું. મહારાષ્ટ્રના સીએમના નિવેદનનું સ્વાગત કરું છું. દોષિતો સામે કડક કાર્યવાહીનું સમર્થન કરું છું. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના ઘણા હડતાળ કર્મચારીઓએ શુક્રવારે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
દાવો કરવામાં આવ્યો હતો કે આ દરમિયાન દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો હતો. કેટલાક કર્મચારીઓએ તેમના ઘર તરફ જૂતા અને ચપ્પલ પણ ફેંક્યા હતા. આ અંગે માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એનસીપી ચીફ પવારને ફોન કરીને તેમની સ્થિતિ જાણી હતી.
Published On - 6:18 pm, Sat, 9 April 22