મહારાષ્ટ્ર (Coronavirus in Maharashtra) સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોએ કોરોનાને રોકવા માટે વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) લાદવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, મુંબઈ (Mumbai) અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા માનવામાં આવી રહ્યું છે કે અહીં સપ્તાહના અંતમાં કર્ફ્યુની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mayor Kishori Pednekar) આ સવાલનો જવાબ આપ્યો છે.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે વીકએન્ડ કર્ફ્યુ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોરોનાની પરિસ્થિતિ અંગે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે, મુંબઈમાં સંક્રમણના 20,181 નવા કેસ નોંધાયા હતા. જેમાં 4ના મોત થયા છે. મુંબઈમાં કોરોનાનો સક્રિય કેસ લોડ 79,260 પર પહોંચી ગયો છે. મુંબઈમાં પોઝિટિવિટી રેટ 29.90 ટકા નોંધવામાં આવ્યો છે. વધતા જતા કેસ વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઝડપથી થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 20,181 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. આ માહિતી BMC દ્વારા આપવામાં આવી છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં ગુરુવારે 107 નવા કેસ નોંધાયા હતા. BMCએ કહ્યું કે આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આજે કોરોના સંક્રમણના 36,265 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોનો જીવ પણ ગયા છે.
રાહતની વાત એ છે કે 24 કલાકમાં 8,907 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. ઓમિક્રોન મહારાષ્ટ્રમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુરુવારે ઓમિક્રોનના 79 નવા કેસ સામે આવવાથી હડકંપ મચી ગયુ છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 876 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 381 લોકો સાજા થયા છે.