મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ( BJP President Chandrakant Patil ) શનિવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે ભાજપ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના (CM Eknath Shinde) ચહેરા સાથે આગળ વધ્યું કારણ કે જનતાને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો એટલું જ નહીં, સરકારની સ્થિરતા પણ સુનિશ્ચિત કરવી હતી. પાટીલના નિવેદનને ભાજપની અંદર નારાજગી કે વિરોધની પ્રથમ ચિનગારી કહી શકાય. મહારાષ્ટ્ર બીજેપીના વડાએ રાજ્ય કારોબારીની બેઠકમાં કહ્યું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવતી વખતે અમે અમારા દિલ પર પથ્થર રાખ્યો હતો.
બળવાખોર શિવસેના જૂથના નેતા એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. હાલ મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ વિસ્તરણની રાહ જોઈ રહી છે. ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનતા જોઈને મને અને બીજેપીના અન્ય નેતાઓને દુઃખ થયું હતું, પરંતુ અમે અમારા દુઃખને કાબુ કરીને આગળ વધ્યા કારણ કે અમારે મહારાષ્ટ્રના વિકાસની ગતિને આગળ વધારવાની હતી.
બીજી તરફ, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કર્યો છે કે રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર ગેરબંધારણીય છે અને તે ટૂંક સમયમાં પડી જશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ઠાકરે મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યા છે, જેને શિવ સંવાદ યાત્રા નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે, પરંતુ સરકાર પાર્ટીના વિસ્તરણમાં વ્યસ્ત છે. આદિત્યએ કહ્યું કે અમે માત્ર મહારાષ્ટ્રના લોકોના સંપર્કમાં છીએ અને જો બળવાખોર ધારાસભ્યો ઈચ્છે તો તેઓ અમારી પાસે પાછા આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ડ્રામાનો એકનાથ શિંદેના શપથ ગ્રહણ સાથે અંત આવ્યો હતો. બળવાખોર નેતા એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સુરત અને ત્યાથી તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા. સાથે જ ભાજપ આ સમગ્ર ઘટનાક્રમ અંગે મૌન સેવતુ રહ્યું. પરંતુ આખરે શિવસેના અને ભાજપના ગઠબંધનની સરકાર બની અને મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કર્યા.