પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesal Price) ઝડપથી વધારો થવા જઈ રહ્યો છે. આ વાતની આશંકાને જોતા આજે (8 માર્ચ, મંગળવાર) મુંબઈના પેટ્રોલ પંપમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ ખરીદીને પોતાના સ્ટોકમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ભાવ વધે તો તરત જ વધારે કિંમતે ઈંધણ ખરીદવાની જરૂર ના પડે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી રહી છે. આમ છતાં ભારતીય ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. પરંતુ પાંચેય રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ હવે તેના દર તરત જ આસમાને સ્પર્શી જશે. આ આશંકાને કારણે પેટ્રોલ પંપ આગળ લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશ, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવા રાજ્યોમાં એક મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. સોમવારે ઉત્તર પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર મતદારોની નારાજગી વહોરવા માંગતી ન હતી. તેથી આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રણમાં રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ હવે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો લગભગ નિશ્ચિત છે. આથી મુંબઈગરાઓ મંગળવારે સવારથી જ પેટ્રોલ પંપ સામે કતાર લગાવવા લાગ્યા હતા. દર વધારા પહેલા જ વાહનોની ટાંકી ભરવાની હરીફાઈ જોવા મળી રહી છે.
આ દરમિયાન આજે મંગળવારે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ઈંધણના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. માત્ર સ્થાનિક સ્તરે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેશના મહત્વના શહેરોમાં ઈંધણના દરો હાલમાં સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. તેવી જ રીતે દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારાને જોતા આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલ 10થી 12 રૂપિયા મોંઘુ થઈ શકે છે.
એવી આશંકા છે કે મુંબઈમાં આજે જે પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે તે જ પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાવાનું શરૂ થઈ જશે. તેવી જ રીતે મુંબઈમાં ડીઝલનો દર પણ 94.14 રૂપિયાથી વધીને 100નો આંકડો પાર કરી શકે છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રુડના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ