દેશમાં કોરોનાનો (Corona) પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,06,064 નવા કેસ નોંધાયા છે. આ સિવાય ઓમિક્રોનના (Omicron) કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન, મુંબઈની કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં (Kasturba Gandhi Hospital) કરવામાં આવેલા જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટમાં, 363 દર્દીઓના સેમ્પલમાંથી, 320 દર્દીઓ (88%) ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે ત્રણ (0.8%) ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા અને 30 ડેલ્ટા સબ-વેરિઅન્ટ (8%)થી સંક્રમિત જોવા મળ્યા હતા. આ સિવાય 10 (2.7%) દર્દીઓ કોરોનાના અન્ય વેરીઅન્ટથી સંક્રમિત હતા. તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલ સંસ્થા ઈન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમિક કન્સોર્ટિયમ (INSACOG) એ એક બુલેટિન જાહેર કરીને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ સમુદાય સંક્રમણના સ્તરે પહોંચી ગયો છે.
દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં જ્યાં નવા કેસોમાં તેજી જોવા મળી રહી છે, ત્યાં આ પ્રબળ બની ગયું છે. જ્યારે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ બીએ.2 પણ ફેલાઈ રહ્યો છે. દેશમાં ઘણી જગ્યાએ આ હાજરી જોવા મળી છે.
કોરોના તેમજ ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક પેટર્નને જોતાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓમક્રોન ધીમે ધીમે ડેલ્ટા વેરિઅન્ટ પર હાવી થતો જોવા મળશે. પરંતુ તેને હળવાશથી ન લેવામાં આવે. ઓમિક્રોનથી જોખમ ઓછું હોવા છતાં, ગંભીર બીમારી ધરાવતા લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે.’
જણાવી દઈએ કે દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો અને તેનો ફેલાવો એટલો ઝડપથી થઈ ગયો છે કે તે 49-50 દિવસમાં સામુદાયિક સંક્રમણના સ્તરે પહોંચી ગયો છે. આખા વિશ્વમાં ઓમીક્રોનની ઝડપ જોવાઈ રહી છે.
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે જ્યાં નવા કેસોમાં ઉછાળો આવ્યો છે. તે જ સમયે, અન્ય પેટા સ્ટ્રેન મળી આવ્યો છે જે સાયલન્ટ એટેક કરી રહ્યો છે. ઓમિક્રોનનો આ સબસ્ટ્રેન એટલો ખતરનાક છે કે, તે આરટીપીસીઆર ટેસ્ટમાં પણ પકડાતો નથી. ઓમિક્રોનનો આ સબ-સ્ટ્રેન યુરોપમાં મળી આવ્યો છે, જેને સ્ટીલ્થ ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. યુરોપમાં તેજીથી ફેલાઈ રહેલા આ સબ સ્ટ્રેનને લઈને બ્રિટેને કહ્યું કે, 40 થી વધારે દેશોમાં ઓમીક્રોનનો આ વેરીઅન્ટ જોવા મળ્યો છે.
ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 3,06,064 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,95,43,328 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 22,49,335 થઈ ગઈ છે, જે 241 દિવસમાં સૌથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણને કારણે વધુ 439 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,89,848 થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 62,130 નો વધારો નોંધાયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 93.07 ટકા થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોવિડની રસીના 162.73 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 13.83 કરોડથી વધુ ડોઝ બાકી છે અને યુઝ ન થયેલી કોવિડ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Maharashtra: એનસીપી ચીફ શરદ પવાર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને તપાસ માટે અપીલ