આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાં મુંબઈમાં (Mumbai High Tides) અરબી સમુદ્રમાં 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડેટા દર્શાવે છે કે જૂન અને જુલાઈમાં છ- છ દિવસ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ-પાંચ દિવસ હાઈ-ટાઈડના દિવસો હશે. મુંબઈમાં ચોમાસાએ દસ્તક આપી છે. અહીં વરસાદની મજા માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. આ દરમિયાન હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે આ ચોમાસામાં અરબી સમુદ્રમાં 22 હાઇ ટાઇડ્સમાંથી છ આ અઠવાડિયે જ આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર આ હાઇ ટાઇડ્સ લગભગ 4.5 મીટર ઉંચી હશે. તેમ જ વિભાગનું કહેવું છે કે જો મુંબઈમાં ભારે વરસાદ પડે તો શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
સામાન્ય રીતે જોવા મળે છે કે, લોકો દરિયાકિનારા પર ભરતીનો આનંદ માણવા માટે ભેગા થાય છે અને જ્યારે સમુદ્રના ઊંચા મોજા અથડાય છે, ત્યારે તે ક્ષણ માણવા લાયક હોય છે. હવે સાવચેતીના ભાગરૂપે, BMC દ્વારા શહેરના છ બીચ પર પહેલાથી જ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં 186 સ્ટોર્મ વોટર આઉટલેટ્સ છે, જેમાંથી 45 દરિયાની સપાટીથી નીચે છે અને 135 ઉચ્ચ ભરતીના સ્તરે છે. એટલે કે માત્ર છ જ ઉચ્ચ સ્તરે છે.અહેવાલો અનુસાર, 16 જૂનના રોજ 4.87 મીટર સુધી મોજા ઉછળે તેવી આગાહી છે. 4.5 મીટરથી વધુ ભરતીનું સ્તર ખતરનાક છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ભારે પૂરની સંભાવના બની શકે છે. જૂનમાં, શહેરમાં 13-18 જૂન, 13-18 જુલાઈ, 11-15 ઓગસ્ટ અને 9-13 સપ્ટેમ્બર દરમિયાન દરિયાની સપાટીમાં વધારો જોવા મળશે.
બેઠકમાં ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 72 સ્થળોને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારો તરીકે ઓળખવામાં આવ્યા છે જેમાંથી 45ને ખતરનાક તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. વાર્ષિક પ્રોટોકોલ મુજબ, BMC આવા વિસ્તારોમાં રહેતા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરશે, તેમને વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેશે. આ ઉપરાંત મુંબઈવાસીઓ માટે એક આવકારદાયક સમાચાર છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.
BMC ઉપરાંત, અન્ય એજન્સીઓ કે જેઓ આ ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં જમીનના માલિક છે, તે આપત્તિઓને રોકવા માટે રિટેઈનિંગ વોલ બનાવી રહી છે. ગયા વર્ષે વિક્રોલી અને ચેમ્બુરમાં બે અલગ-અલગ ભૂસ્ખલનમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાઓ બાદ, સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોના સ્થળાંતર અને રિટેનિંગ વોલના બાંધકામને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.