મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સતત 40 હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ 40 હજારમાંથી 20 હજારથી વધુ કેસ એકલા મુંબઈમાં (Mumbai Corona) સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી અડધા મુંબઈમાં છે. તેનું એક નવું કારણ હવે સામે આવ્યું છે. મુંબઈમાં લોકો કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટનો (Covid Self Test Kit) ઉપયોગ કરી રહ્યા છે અને હવે પોતપોતાના ઘરોમાં કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. કોરોના ટેસ્ટ કરાવવા માટે તેઓ લેબ સુધી નથી પહોચી રહ્યા.
જેના કારણે હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednekar) આ અંગે સંકેત આપ્યો છે.
કોરોના સેલ્ફ ટેસ્ટ કિટ્સની સમસ્યા એ છે કે તેના રિપોર્ટ્સ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી શકાતો નથી. આ કીટ હંમેશા સાચો રિપોર્ટ આપશે તેની કોઈ ગેરંટી નથી. લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. આ કારણે બીએમસીને તેમના સંક્રમિત થવાની માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોના વાસ્તવિક આંકડા બહાર આવી રહ્યા નથી. આ સમસ્યાઓ પર વાત કરતા મેયર કિશોરી પેડનેકરે રવિવારે કહ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં આ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
મુંબઈમાં કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે – મેયર કિશોરી પેડનેકર
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મુંબઈવાસીઓને સેલ્ફ કીટનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. લેબમાં જાઓ અને કોરોના ટેસ્ટ કરાવો. કોઈપણ કંપનીની ટેસ્ટ કીટનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ‘મેં ગઈકાલે જ સેલ્ફ કીટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. BMCએ શનિવારથી જ દુકાનોમાં ઉપલબ્ધ સેલ્ફ-કિટ્સને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં મુંબઈમાં સેલ્ફ-કિટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ છે.’
તમને જણાવી દઈએ કે મુંબઈમાં છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો લોકો સેલ્ફ ટેસ્ટ કીટની મદદથી ઘરે કોરોના ટેસ્ટ કરી રહ્યા છે, જો તેઓ પણ લેબમાં કોરોના ટેસ્ટ કરાવશે તો કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધુ વધારો થશે. તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે.